News of Sunday, 22nd December 2024
વાહન ચીટીંગના બે ગુનામાં સંડોવાયેલ છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો આરોપી કાપોદ્રા પોલીસને હાથ લાગ્યો
સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને અમદાવાદમાંથી ઝડપી લીધો હતોઃ આરોપી અમદાવાદ સાબરમતી ખાતે આવેલા ગાંધીવાસમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસના બિલ્ડીંગ ઉપર સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાનું ખુલ્યુ છે

સુરતઃ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2017 ના વર્ષમાં વાહન ચીટીંગના બે ગુના નોંધાયા હતા. જે ગુનામાં સંડોવાયેલ આરોપી છેલ્લા આઠ વર્ષથી નાસતો ફરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
મળતી માહિતી મુજબ સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં વર્ષ 2017 ના વર્ષમાં વાહન ચીટીંગના બે ગુના નોંધાયા હતા. જે ગુનામાં છેલ્લા આઠ વર્ષથી આરોપી રાકેશ મનુભાઈ નાકરાણી નાસ્તો ફરતો હતો. તેમજ આરોપી વિરુદ્ધમાં નામદાર કોર્ટમાંથી સીઆરપીસી કલમ 70 મુજબનું વોરંટ પણ ઈશ્યુ થયું હતું. આ મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી અમદાવાદ સાબરમતી ખાતે આવેલા ગાંધીવાસમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસના બિલ્ડીંગ ઉપર સુપરવાઇઝર તરીકે કામ કરતો હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપી રાકેશ મનુભાઈ નાકરાણીને ઝડપી પાડ્યો હતો.
આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તે સુરત ખાતે બંધાતી સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતો હતો તે દરમિયાન તે તેના મિત્રો પાસેથી રૂપિયા લઇ તેના પરિચિતોને વ્યાજે આપવાનો ધંધો વર્ષ 2015 ના વર્ષથી કરવા લાગ્યો હતો. જેમાં તેણે જે લોકોને વ્યાજે રૂપિયા આપેલા તેઓ પાસેથી પરત મુદ્દલ કે વ્યાજના રૂપિયા ન આવતા તેના માથે કરોડો રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને વર્ષ 2016 અને 17 ના વર્ષમાં તેના બે પરિચિતોના ફોર વ્હીલ વાહન જેમાં એક અર્ટીગા અને બીજી ફોર્ચ્યુનર વાહનો મેળવી ગીરવે મૂકી દીધા હતા અને તે રૂપિયા પોતાના દેવામાં ચૂકવ્યા હતા તેમ છતાં તેનું દેવું પૂરું થયું ન હતું.
આ દરમિયાન જે લોકોના વાહનો પોતે મેળવી ગીરવી મૂકી દીધા હતા જે અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ગુના દાખલ થતા તે પોતાની ધરપકડ ટાળવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ભોપાલ ખાતે નાસી ગયો હતો અને ત્યાં જઈ બંધાતી સાઇડ ઉપર સુપરવાઇઝરની નોકરી કરવા લાગ્યો હતો અને પોલીસમાં પકડાઈ ન જાય તે માટે સાઈટ ઉપર કામ કરતા મજૂરોના ડોક્યુમેન્ટ લઈને સીમકાર્ડ મેળવી ઉપયોગ કરવા લાગ્યો હતો અને સોશિયલ મીડિયામાં પણ પોતે મુકેશ નામ ધારણ કરી વાપરતો હતો અને હાલમાં છ માસ પહેલા જ તે અમદાવાદ મુકામે પરત આવીને સાબરમતી ખાતે આવેલા ગાંધીવાસમાં બની રહેલા પ્રધાનમંત્રી આવાસ બિલ્ડીંગ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરવા લાગ્યો હતો.
(3:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
