<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd December 2024

સુરતના ઓએનજીસી બ્રિજ પાસે યાર્ન ભરેલી ટ્રક ડીવાઇડર સાથે અથડાતા પલટી મારી ગઈ : ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો ક્લિનરનુ ટ્રકની કેબિનની નીચે દબાઈ જતા મોત

અકસ્માત બાદ દોડી આવેલા લોકોએ બન્નેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા. આખરે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી : ગંભીર રીતે ઇજા થવાના પગલે ક્લિનર અજય કુમારનું કરુણ મોત નીપજ્યું

સુરત તા.૨૨

સુરતના ઓએનજીસી બ્રિજ પાસે અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં યાર્ન ભરેલી ટ્રક ડીવાઇડર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. અકસ્માતની આ ઘટનામાં ડ્રાઈવર કેબીનમાં ફસાઈ ગયો હતો. જ્યારે ક્લિનર ટ્રકના કેબિનની નીચે દબાઈ ગયો હતો જેમાં ગંભીર ઈજાના કારણે ક્લીનરનું મોત નીપજ્યું હતું. જ્યારે ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ડ્રાઈવરને બચાવી લેવામાં આવ્યો હતો. 

મળતી માહિતી પ્રમાણે, યાર્ન ભરેલી ટ્રક શુક્રવારે હજીરાથી સચિન તરફ જવા માટે નીકળ્યો હતો. આ ટ્રક રાત્રે લગભગ સાડા બારેક વાગ્યાના અરસામાં ઓએનજીસી બ્રિજ પરથી ઉતરી રહ્યો હતો. ત્યારે ટ્રક ડીવાઇડર સાથે ભટકાઇ હતી અને ત્યારબાદ આખી ટ્રક પલટી મારી ગઈ હતી. ટ્રક પલટી જતાં ડ્રાઈવર રાજેશ કનોજિયા કેબિનની નીચે ફસાઈ ગયો હતો. જ્યારે ક્લિનર અજયકુમાર સુભાષચન્દ્ર ફંગોળાઈ કેબિનની નીચે દબાઈ ગયો હતો. 

અકસ્માત બાદ દોડી આવેલા લોકોએ બન્નેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ થયા ન હતા. આખરે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર જવાનોની રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કેબિનની નીચે દબાયેલા ડ્રાઈવર અને ક્લીનરને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઇજા થવાના પગલે ક્લિનર અજય કુમારનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવરને ઈજા પહોંચી હોય સારવાર માટે તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક અજય યુપીના પ્રયાગરાજનો વતની હતો.

(4:45 PM IST)