<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

વડોદરાના વાઘોડિયામાં હિટ એન્ડ રન:અજાણ્યા વાહનની અડફેટે બાઈકચાલકનું ઘટના સ્થળે મોત

પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ખંધા રોડ પર વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં ઘટી હતી. જેમાં અજાણ્યા વાહનચાલકે બાઈક પર ઘરે પરત ફરી રહેલ 26 વર્ષીય આશાસ્પદ યુવક ને અડફેટે લેતા તેનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ વાઘોડિયા પોલીસ ઘટના સ્થળે પર દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા રવાલ ગામના રબારી ફળિયામાં રહેતો 26 વર્ષીય યુવક સંજય દિનેશભાઈ મકવાણા ગત મોડી રાત્રે વાઘોડિયાથી બાઈક પર સવાર થઇ રવાલ ગામે પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ખંધા રોડ પર આવેલ આર.આર.કેબલ કંપની નજીક માતેલા સાંઢની માફક પૂર ઝડપે આવી રહેલ અજાણ્યા વાહને સંજય ભાઈની બાઈક ને અડફેટે લેતા સંજય ભાઈ હવામાં ફંગોળાઈ રોડ પર પટકાતા તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

સંજય મકવાણાને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી તેમનું મોત નીપજાવી ઘટના સ્થળેથી ફરાર થઇ જતા આસપાસથી લોકટોળા ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ બનાવ અંગેની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:06 PM IST)