News of Monday, 23rd December 2024
હવેથી ઇમરજન્સીમાં વીડીયોગ્રાફી ફરજીયાત અપલોડ કરવાની રહેશે
અમદાવાદ : ખ્યાતીકાંડ બાદ રાજય સરકાર એકશન મોડમાં : સઘન મોનીટરીંગ કરવા માટે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ની રચના : CDHO/MDH દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછા બે હોસ્પિટલની વિઝીટ કરવાની : કેન્સર, કાર્ડિયાક, રેડીયોલોજી, નિયોનેટલ, કેર, રિપ્લેસમેન્ટ માટે નવી SOP : PMJAY યોજના માટે નવી ગાઇડલાઇન્સ જાહેર

અમદાવાદ, તા.૨૩: રાજ્યના અમદાવાદમાં ખ્યાતિકાંડ થયો જેમાં અનેક લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરીને ખ્યાતિ હોસ્પિટલે સરકાર પાસથે કરોડા રૂપિયા ખંખેરી લીધા. જેમાં અનેક લોકોને મોતને પણ ભેટવું પડયું હતું. હવે રાજ્યમાં ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડ રોકવા માટે PMJAY યોજનાની નવી SOP જાહેર કરાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નવી SOPની જાહેરાત કરી દીધી છે. આ SOPમાં કાર્ડિયોલોજી, કેન્સર અને નિયોનેટલ બાળકોની સારવાર સંદર્ભે નવા નિયમો બનાવવમાં આવ્યાં છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે PMJAY યોજનાની નવી SOP જાહેર કરી હતી. જેમાં રાજ્યના પ્રજાજનોને આ યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી વધુ હોસ્પિટલોની નોંધણી કરીને યોજનાનો લાભ આપવા, હોસ્પિટલોએ એન્જીયોગ્રાફીની વીડિયોગ્રાફીની સીડીઓ પ્રિઓથના સમયે અપડલોડ કરવી અને રાજ્યની તમામ હોસ્પિટલોએ ICP માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY યોજનાની નવી SOP જાહેર કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય સચિવ અને કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. રાજ્યના આરોગ્ય તંત્રને હચમચાવી દેનાર ખ્યાતિ હોસ્પિટલ જેવા કાંડને રોકવા માટે સરકારે નવી SOP તૈયાર કરી હતી. જેમાં કાર્ડિયોલોજી, ઓક્રો(કૅન્સર) અને નિયોનેટલ(બાળકો) ની સારવાર માટે નવી SOP જાહેર કરાઇ હતી. આમાં PMJAY હેઠળ એમ્પેનલ હોસ્પિટલ માટે વધુ કડક નિયમો બનાવવામાં આવ્યા છે.
ટેકનિકલ બાબતોને ધ્યાને લઇને સ્પેશ્યાલીટીમાં સુધારા કરવા જરૂરી જણાય છે, જે ધ્યાને લઇને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી કાર્ડિયોલોજી સેવાઓની માર્ગદર્શિકામાં સુધારા જાહેર કરીએ છીએ.
દર્દીના હીતમાં શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવાઓ માટે કાર્ડિયોલોજીસ્ટ તથા કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફુલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કલ્સટર માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઇ શકાય. આ ઉપરાંત હોસ્પિટલો ખાતે ફુલ ટાઇમ કાર્ડિયાક એનેસ્થેટીસ્ટ તથા ફિજીયોથેરાપિસ્ટ રાખવા આવશ્યક રહેશે.
ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિઆવશ્યક હોય તેવા સંજોગોમાં જ ફક્ત કાર્ડિયોલોજીની સેવાઓ આપતા સેન્ટર એન્જીયોપ્લાસ્ટી કરી શકશે.
હોસ્પિટલોએ એન્જીયોગ્રાફી તેમજ એન્જીયોપ્લાસ્ટીની CD/વીડિયોગ્રાફી પ્રિઓથના સમયે અપલોડ કરવાની રહેશે. ઇમરજન્સી કેસમાં સદર CD/વીડિયોગ્રાફી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે.
નિષ્ણાંત તબીબોના સૂચન બાદ ઓક્રોલોજી એટલે કે કેન્સરની વિવિધ પ્રોસિઝર સારવાર માટેની પણ નવીન માર્ગદર્શિકા બનાવવામાં આવી છે.
કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કિ કરવા માટે મેડીકલ ઓક્રોલોજિસ્ટ, સર્જીકલ ઓક્રોલોજિસ્ટ અને રેડિયેશન ઓક્રોલોજિસ્ટની સંયુક્ત પેનલ ટયુમર બોર્ડ તરિકે નિર્ણય લઇ TBC (ટયુમર બોર્ડ સર્ટિફિકેટ) માં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. TBC(ટયુમર બોર્ડ સર્ટિફિકેટ) અપલોડ કરવાનું ફરજીયાત રહેશે.
દર્દીને કેન્સરની યોગ્યત્તમ સારવાર મળી રહે તે માટે IGRT (ઇમેજ ગાઈડેડ રેડિએશન થેરાપી)માં CBCT (કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી સિસ્ટમ) ઇમેજ KV (કિલો વોટ)માં જ લેવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. વધુમાં આ થેરાપી કયા કયા ટયુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઇડલાઇન બનાવવામાં આવી છે.
કેન્સરની ટ્રિટમેન્ટ માટેની રેડિયેશન થેરાપીમાં યોગ્ય સારવાર અને પેકેજીસ પસંદગીની સુગમતા રહે તે માટે રેડિયેશનના પેકેજીસમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.
મહિલાઓમાં જોવા મળતા કેન્સર જેવા કે, ગર્ભાશયના મુખનું કેન્સર, યોનીમાર્ગનું કેન્સર કે અન્ય કેન્સર જ્યાં બ્રેકીથેરાપી જરૂરી હોય, તેવા કિસ્સાઓમાં જે હોસ્પિટલ પાસે બ્રેકી થેરાપીની સગવડ છે, ત્યાં જ PMJAY અંતર્ગત સારવાર આપવાની રહેશે, બ્રેકી થેરાપી માટે હોસ્પિટલનું ટાઈ-અપ ચલાવવામાં આવશે નહીં.
રેડિયોથેરાપી મશીન માટે નક્કી થયેલા ક્વોલિટી કન્ટ્રોલના માપદંડનું પાલન કરી હોસ્પિટલે રેકોર્ડ નિભાવવાનો રહેશે.
TKR/THR (Total Knee replacement/Total Hip replacement)
આ યોજના હેઠળ TKR/THR ઓપરેશન કરતી હોસ્પિટલોએ ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોની પણ સારવાર પણ આપવાની હોવાથી ઓર્થોપ્લાસ્ટી (TKR/THR)‘‘નાં ઓછામાં ઓછા ૩૦% ઓર્થોપેડીક અને પોલીટ્રોમા(અકસ્માત)ના કેસોને સારવાર આપવાનું ફરજીયાત કરેલા છે. જેમાં ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવે છે.
હોસ્પિટલ દ્વારા સળંગ ૯ માસ સુધી ઉક્ત રેશિયોનું પાલન ન થાય તો, તેવા કિસ્સામાં હોસ્પિટલને ઓર્થોપ્લાસ્ટી (TKR/THR) સ્પેશ્યાલીટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. યોજના અંતર્ગત જોડાયેલ કુલ ૭૫ હોસ્પિટલને રૂ. ૩.૫૧ કરોડની TKR અંતર્ગત પેનલ્ટી કરવામાં આવેલી છે.
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ
ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇ અન્વયે પૂર્વવ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પુરતી સમજણ દર્દી અને તેઓના સગાને આપતી વખતે VIDEO રેકોર્ડિંગ સાથેનું સંમતિ પત્રક લેવાનું ફરજિયાત કરવામાં આવેલું છે. જેમા નીચે મુજબની તબીબી સારવારનો સમાવેશ કરાયેલો છે.
એન્જીઓગ્રાફી
એન્જીઓપ્લાસ્ટી
કોરોનરી આર્ટરી બાયપાસ સર્જરી
એમ્પ્યુટેશન (અંગ વીચ્છેદન સર્જરી)
તમામ ‘‘Ectomy‘‘ અંતર્ગત સર્જરી (શરીર નો કોઈ ભાગ દૂર કરવાની સર્જરી)
ઓર્ગન ડોનેશન/ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેસન/ઓર્ગન રિટ્રાઇવલ સર્જરી
સ્પાઇનલ સર્જરી/બ્રેઈન સર્જરી/કેન્સર સર્જરી
દર્દીને ડિસ્ચાર્જ વખતે ભવિષ્યમાં વધુ સારવાર અર્થે ઉપયોગી થાય તે હેતુસર ડિસ્ચાર્જ સમરી સાથે હોસ્પિટલાઇજેશન દરમિયાન કરવામાં આવેલા લેબોરેટરી, રેડિયોલોજી વગેરે તમામ ડાયગ્નોસ્ટીક રિપોર્ટસ ફરજીયાત આપવાના રહેશે.
ગુજરાત રાજ્યની તમામ હોસ્પિટલોએ Infection control and prevention માટેની ભારત સરકારની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.
આ યોજનામાં જીલ્લાના છેવાડાના દર્દીને તમામ પ્રકારની સુવિધા અને સારવાર નજીકના અંતરે ઉપલ્બધ્ધ કરાવવામાં આવે તે ઉદ્દેશ્યથી ખાનગી હોસ્પિટલને એમપેન્લડ કરવામાં આવે છે. જેમાં યોજના સાથે કાર્યરત વીમા કંપની અને જીલ્લાની ટીમ દ્વારા જરૂરી ચકાસણી સાથે યોજના સાથે જોડવામાં આવે છે. યોજના હેઠળ ડે-કેર, સેકન્ડરી અને ટર્શરી બિમારીઓ માટે નિયત કરેલ સારવાર મળવાપાત્ર છે.
જેમાં કાન, નાક અને ગળાના રોગો, સ્ત્રી રોગ, માનસિક રોગો, હદયના રોગો, કીડનીના રોગો, મગજના રોગો, ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓને લગતા ગંભીર રોગો, કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટ, હ્રદય, કિડની, લીવર, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટેશનની સાથે સાથે કોક્લીઅર ઇમ્પલાન્ટ(હીયરીંગ એઇડ) સહિતની અન્ય જટીલ પ્રકારની અને ખર્ચાળ સારવારનો લાભ દર્દી યોજના હેઠળ મેળવી શકે છે. હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદની ફોલોઅપની સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, મુસાફરી ખર્ચ વગેરેનો લાભ લાભાર્થીને મળવાપાત્ર છે.
ગુજરાત સરકારે ખાનગી ક્ષેત્રના તજજ્ઞોને સાંકળીને, આર્થિક રીતે પછાત વર્ગની સગર્ભાઓને સલામત પ્રસુતિ સેવાઓ પૂરી પાડવા તેમજ રાજ્યના હાઈ પ્રાયોરીટી તાલુકાઓ કે જેમાં નવજાત શિશુ માટે NICU ની સુવિધા મળી રહેતે હેતુથી ‘ચિરંજીવી યોજના' અને ‘બાલસખા યોજના'ના લાભોને પણ PMJAY યોજનામાં સમાવિષ્ટ કરી છે. રાજ્યના સામાન્ય પ્રજા તેમજ છેવાડાના માનવીને યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે હોસ્પિટલની નોંધણી કરીને યોજનાનો લાભા આપવાનો ઉદ્દેશ છે.
PMJAY યોજનામાં ગુજરાત રાજ્યમાં અંદાજે ૯૭ લાખ કુટુંબો/ ૨.૬૫ કરોડ લાભાર્થીઓ આ યોજનામાં જોડાઇને અંદાજીત ૯૦૦થી વધુ ખાનગી તથા ૧૫૦૦થી વધુ સરકારી હોસ્પિટલો ખાતે નિયમિત સારવાર મેળવી રહયાં છે.(૨૩.૩૪)
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
