News of Monday, 23rd December 2024
સુરતના વેસુમાં વૃદ્ધને ડીઝીટલ એરેસ્ટ કરી 1.71 કરોડ પડાવી લીધા : બે આરોપીઓ ઝડપાયા : મુખ્ય ભેજાબાજ પોલીસ પકડથી દૂર
ટોળકીએ નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવા સીબીઆઈ અને આરબીઆઈના નામે બોગસ લેટરો પણ મોકલ્યા હતા

સુરત: શહેરના વેસુ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી ટોળકી દ્વારા 1.71 કરોડ રૂપિયા જેટલી રકમ આરટીજીએસ દ્વારા પડાવી લેવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા અમદાવાદથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે ઝડપાયેલા બે આરોપીઓ તો માત્ર પ્યાદા છે, પરંતુ મુખ્ય ભેજાબાજો હજી પોલીસ પકડથી દૂર છે. ટોળકી દ્વારા મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 1.71 કરોડ રૂપિયા જેટલી રકમ આરટીજીએસ દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી પડાવી લીધી હતી. ઝડપાયેલા બંને આરોપીઓએ પરસ્પર બેંક એકાઉન્ટોની આપ-લે કરી હતી. જે બેંક એકાઉન્ટોનો ગુનામાં ઉપયોગ થયો હતો. ટોળકીએ નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરવા સીબીઆઈ અને આરબીઆઈના નામે બોગસ લેટરો પણ મોકલ્યા હતા.
બનાવની જો વિગતવાર વાત કરીએ તો સુરતમાં પાલિકાના નિવૃત્ત અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા 1.71 કરોડ જેટલી રકમ પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી. જે છેતરપિંડી કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીના બે સાગરિતોની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઇમ સેલના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વેસુ વિસ્તારમાં રહેતા નિવૃત વયોવૃદ્ધ ઇન્વેસ્ટમેન્ટ માટે facebook પર અલગ અલગ સાઇટ સર્ચ કરી રહ્યા હતા. દરમિયાન આ નિવૃત્ત અધિકારીનો ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીએ whatsapp ના માધ્યમ થકી સંપર્ક કર્યો હતો. જે whatsapp ના માધ્યમથી નિવૃત્ત અધિકારીને જણાવ્યું હતું કે “તમારા આધાર કાર્ડના આધારે બોગસ સીમકાર્ડ ઇસ્યુ થયો છે અને તે સીમકાર્ડના આધારે અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર આર્થિક નાણાકીય વ્યવહારો થયા છે” તેમ જણાવી 15 દિવસ સુધી અલગ અલગ માધ્યમો દ્વારા ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
પાલિકાના નિવૃત્ત અધિકારીને 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ આ ટોળકીએ કેસ કરવાની ધમકી આપી 1.71 કરોડ રૂપિયા જેટલી રકમ ઓનલાઇન આરટીજીએસ દ્વારા પડાવી લેવામાં આવી હતી. ટોળકીએ નિવૃત્ત અધિકારીને જણાવ્યું હતું કે નરેશ ગોયલ મની લોન્ડરિંગ અને ફ્રોડ કેસમાં તેઓની પણ સંડોવણી છે. જા ટોળકીએ પોલીસ તરીકેની ઓળખ આપી બોગસ આઈ કાર્ડ અને સીબીઆઈના બોગસ લેટરો ઉપરાંત આરબીઆઈના નામના લેટરો પણ મોકલ્યા હતા. ડિજિટલ એરેસ્ટનો ભોગ બનેલા નિવૃત્ત અધિકારીએ સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સાયબર ક્રાઇમ સેલની તપાસ દરમિયાન અમદાવાદના કલ્યાણ ચોક ખાતે આવેલા શ્યામ પરિસરમાં રહેતા મુકેશ મગન હીરાલાલ પટેલ અને નિકોલ નરોડા કલ્યાણ ચોક પાસે આવેલા સુહાસ ઓરમમાં રહેતા મેહુલ રણછોડ પ્રભુદાસ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. જે ત્રણેય આરોપીઓ પર ત્રણથી વધુ ફરિયાદો દાખલ થયેલી છે. જેમાં પાટણ અને તામિલનાડુમાં પણ આરોપીઓ વિરુદ્ધ ગુના રજીસ્ટર થયેલા છે. જે બંને આરોપીઓની સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
સાયબર ક્રાઇમ સેલના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું છે કે, મુકેશ પટેલની ભૂમિકાની વાત કરવામાં આવે તો આરોપીએ પોતાનું au સ્મોલ ફાઇનાન્સ બેન્કનું એકાઉન્ટ રૂપિયા 10,000ના કમિશન ઉપર આરોપી મેહુલ રણછોડ પટેલને આપ્યું હતું. જે આરોપીના બેન્ક એકાઉન્ટ પર ગુજરાત અને તમિલનાડુમાં બે ફરિયાદ પણ નોંધાય છે. તેવી જ રીતે આરોપી મેહુલ રણછોડ પટેલ દ્વારા આરોપી મુકેશ પટેલનું બેન્ક એકાઉન્ટ 10,000 રૂપિયાના કમિશન ઉપર ભાડે લીધું હતું. જ્યાં અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં આઠ લાખ રૂપિયા જેટલી રકમ પણ ફ્રીઝ કરવામાં આવી છે.
સુરત સાયબર ક્રાઇમ સેલના ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, પોલીસ અધિકારી કે કોઈ અન્ય સરકારી અધિકારી વીડિયો-ઓડિયો કોલથી કે પછી કોન્ફરન્સિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ગુનેગારોને ડિજિટલ એરેસ્ટ કરતી નથી. ઉપરાંત પૂછપરછ પણ કરતી નથી. જ્યાં દંડ રૂપે નાણાંની માંગણી પણ ક્યારેય કરતી નથી. પોલીસ અધિકારીના સ્વાંગમાં કોઈ એરેસ્ટ વોરંટ અથવા અન્ય ડોક્યુમેન્ટ ઓનલાઇન રજૂ કરે તેને સાચા માની વ્યક્તિગત માહિતી અથવા તો ખાસ કરીને તમારી બેન્કિંગ વિગતો ક્યારેય શેર કરવી નહીં. ટોળકી દ્વારા આપવામાં આવતા એકાઉન્ટમાં નાના પણ ટ્રાન્સફર કરવા નહીં. કોઈપણ પગલું લેતા પહેલા ગભરાયા વગર નજીકના પોલીસ સ્ટેશન અથવા પરિજનોનો સંપર્ક કરવો જોઈએ. જેથી કરી ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકીથી બચી શકાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ડિજિટલ એરેસ્ટ કરી રૂપિયા પડાવતી ટોળકીના બે સાગરિતોની ધરપકડ કરી છે. જે કેસમાં હજી કેટલા આરોપીઓ સામેલ છે અને આ આરોપીઓ ક્યાંના છે તેની પણ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટોળકી દ્વારા હમણાં સુધી કેટલા લોકો જોડે આ પ્રમાણેની છેતરપિંડી કરી છે તેની પણ તપાસ હાલ શરૂ કરવામાં આવી છે. જ્યાં સાયબર ક્રાઇમ સેલની તપાસમાં ડિજિટલ એરેસ્ટ કરતી ટોળકી અંગેના નવા ખુલાસાઓ આગામી દિવસોમાં બહાર આવી શકે છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
