News of Monday, 23rd December 2024
પોકેટ કોપ એપ્લિકેશનએ પોલ ખોલી :ગુન્હાહિત ભૂતકાળ છુપાવાનો પ્રયાસ નિષ્ફ્ળ થયો: રીઢો આરોપી ઝડપાઇ ગયો
આરોપી શાહરૂખ રહીમભાઈ સુમરા આશરે 18 વખત વટવા અને નારોલ પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હતો

અમદાવાદ:શહેરના પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક દ્વારા અમદાવાદ શહેરમાં ગુજરાત સરકાર દ્વારા ઈ ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા શહેરના તમામ થાણા અમલદારોને ખાસ સુચનાઓ કરવામાં આવી હતી. જેનાં ભાગરૂપે અમદાવાદ શહેર જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મણિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.પી.ઉનડકટ સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા વટવા પોલીસ સ્ટેશન ખાતેના વાહન ચોરીના ગુન્હામાં આરોપી વિરુદ્ધ પોકેટ કોપ એપ્લિકેશનનો તપાસમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો.
વટવા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.બી.ઝાલા સહિતની ટીમ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનના મોબાઇલ સ્નેચિંગના ગુન્હામાં પકડાયેલ આરોપી શાહરૂખ રહીમભાઈ સુમરાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી શાહરૂખ રહીમભાઈ સુમરાની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં બે ત્રણ ગુન્હામાં પકડાયેલા હોવાની કબુલાત કરી હતી.
જોકે આરોપી શાહરૂખ રહીમભાઈ સુમરાની પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા તેમજ રેકર્ડ ઉપર ખાતરી કરતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી સને 2018 થી આજદિન સુધી અમદાવાદ શહેરના વટવા પોલીસ સ્ટેશન ખાતે 02 લૂંટ, મારામારી, ચોરી, હથિયાર બંધી જાહેરનામાં ભંગ, તડીપાર ભંગ, સહિત સહિતના આશરે 16 જેટલા ગુન્હાઓમાં અને અટકાયતી પગલામાં તેમજ સને 2015 તેમજ 2018ની સાલમાં બે વખત તડીપાર તેમજ 2024 ની સાલમાં પાસા ધારા હેઠળ અટકાયત કરવામાં આવી હોવાની વટવા તેમજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે મળી, કુલ 18 ગુનાઓમાં પકડાયેલ હોવાની તેમજ પાસા ધારા હેઠળ જેલની હવા ખાઇ ચૂકેલ આરોપી હોવાની જાણવા મળી હતી.
મોબાઈલ સ્નેચિંગના ગુન્હામાં પકડાયેલ આરોપી શાહરૂખ રહીમભાઈ સુમરા પોતાના ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, આ પકડાયેલ આરોપી રીઢો આરોપી નીકળ્યો હતો અને પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપી આશરે 18 વખત વટવા અને નારોલ પોલીસ સ્ટેશન ખાતે પકડાઈ ચૂક્યો હોવાની પોલ ખોલી નાખી હતી.
પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા ગુનાઓમાં પકડાયેલ આરોપીના ગુન્હાહિત ઇતિહાસ બાબતે વિગતો આંગળીના ટેરવે હાથ લાગતાં, પોકેટ કોપ એપ્લિકેશન પોલીસ માટે ખૂબ જ આશીર્વાદ સમાન સાબિત થઈ હતી. તેવામાં વટવા પોલીસે ઝડપેલા આરોપીને લઈને વધુ તપાસ હાથ ધરી હતી
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
