<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

સુશાસન દિવસની ઉજવણી સાર્થક કરવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીમાં ઓપરેશન ગંગાજળ શરૂ કરો : બારોટ

દરમહિને લાખોનો પગાર લેતા પ્રોફેસરો શું શિક્ષકો અને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે છે? તેની ચકાસણી કરવા કુલપતિ ડોડીયાને પત્ર પાઠવતા કોંગ્રેસના પ્રવક્‍તા ડો. નિદત બારોટ

રાજકોટ તા.૨૫ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્‍તા ડો.નિદત બારોટે આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટીના કુલપતી ડો.કમલસિંહ ડોડીયાને પત્ર પાઠવી ઓપરેશન ગંગાજળ શરૂ કરવા માંગણી કરી છે.

કોંગ્રેસના પ્રવકતા ડો.નિદત બારોટે પત્ર માં જણાવ્‍યું છે કે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી ૫૦થી પણ વધુ વર્ષોથી શિક્ષણ અને વિદ્યાર્થીઓ માટે કામ કરી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્‍ય સરકાર દ્વારા પોતાના જુદા જુદા વિભાગોમાં, પ્રજાને ઉપયોગી જરૂરી કામો ન કરતા અધિકારીઓ સામે, ઓપરેશન ગંગાજળના નામથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં જરૂર પડયે ૫૦ થી વધુ વર્ષની ઉંમર  ધરાવતા, બિન કાર્યક્ષમ અથવા પ્રજાને ઉપયોગી ન થતાં અધિકારીઓના, રાજીનામાં લેવામાં આવે છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં પણ આપે ઓપરેશન ગંગાજળ શરૂ કરવું જોઇએ. સમગ્ર દેશ આજે ૨૫ડિસેમ્‍બરે સ્‍વર્ગસ્‍થ અટલ બિહારી વાજપેયીના જન્‍મ જયંતી નિમિતે, સુશાસન દિવસ ઉજવી રહ્યો છે ત્‍યારે, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીને પણ સુશાસન મળે અને તેનો અહેસાસ વિદ્યાર્થીઓ, અધ્‍યાપકો, કોલેજોને થાય તે હેતુસર યુનિવર્સિટીમાં જે કર્મચારીઓ અથવા અધ્‍યાપકો વિદ્યાર્થીઓના હિતને ધ્‍યાને ન રાખીને, યોગ્‍ય રીતે પોતાનું કાર્ય ન કરતા હોય તો તેની વિગત એકત્રિત કરીને, તેમને પણ રાજ્‍ય સરકારના ઓપરેશન ગંગાજળની જેમ, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું ઓપરેશન શરૂ કરીને, તેમને પદ પરથી દૂર કરવા જોઇએ.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિતમાં, તેમને મળવાપાત્ર યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશનના લાભો, યોગ્‍ય રીતે આપી શકીએ છીએ કે કેમ? તેની ચકાસણી કરવી આજશ્‍યક છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન્‍યાય આપી શકીએ છે કે કેમ? તેની ચકાસણી કરવી પણ આવશ્‍યક છે. લાખો રૂપિયાના પગારથી કાર્યકરતા અધ્‍યાપકો, વર્ગખંડમાં અને પ્રયોગશાળાઓમાં, વિદ્યાર્થીઓને ન્‍યાય આપે છે કે કેમ? શિક્ષણમાં પૂર્ણ ધ્‍યાન આપે છે કે કેમ? યુ.જી.સી. જે ઇચ્‍છે છે તે પ્રમાણે સંશોધન કકાર્ય કરે છે કે કેમ? તેની પણ યોગ્‍ય ચકાસણી થાય અને જે બિનકાર્યક્ષમ હોય તેની સામે કાર્યવાહી થાય તે આવશ્‍યક છે. સ્‍પર્ધાના આ સમયમાં પ્રઇવેટ યુનિવર્સિટીઓ સામે, સરકારની યુનિવર્સિટીઓ કાર્યક્ષમ રીતે આગળ વધે તે આવશ્‍યક છે. આ પરિસ્‍થિતિમાં આજના આ દિવસે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ઓપરેશન ગંગાજળ હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરીને સ્‍વર્ગસ્‍થ અટલ બિહારી વાજપેયીને અંજલી આપવા અને રાજ્‍ય સરકારના ઓપરેશન ગંગાજળને આગળ વધારવામાં આપ નિમિત બનો તેવી અપેક્ષા છે. તેમ યાદીમાં ડો.નિદત બારોટે જણાવ્‍યું છે.

(2:52 PM IST)