<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

વડોદરાના સમા-સાવલી રોડ પર બે વાહનોને ઠોકરે ચડાવી કાર ઝૂંપડામાં ઘૂસી ગઈ : આઠ લોકો ઘાયલ

શિવાલિક ફાર્મ ત્રણ રસ્તા નજીક બેકાબૂ કારના ચાલકે બાઈક સવારને ટક્કર માર્યા બાદ નિંદ્રાધીન શ્રમિકો પર પોતાનું વાહન ચડાવી દીધુ :બાઈક સવાર બે મિત્રો અને 6 શ્રમિકો ઈજાગ્રસ્ત

વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં અહીંના શિવાલિક ફાર્મ ત્રણ રસ્તા નજીક બેકાબૂ કારના ચાલકે બાઈક સવારને ટક્કર માર્યા બાદ નિંદ્રાધીન શ્રમિકો પર પોતાનું વાહન ચડાવી દીધુ હતુ. આ અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રો અને 6 શ્રમિકો ઈજાગ્રસ્ત થતાં તમામને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગઈકાલે રાતે 9 થી સાડા 9 વાગ્યાની આસપાસ હાર્દિક પટેલ પોતાની બાઈક પર તેના મિત્ર લલિત સાથે ઘર તરફ જઈ રહ્યો હતો. તેની બાઈક સમા-સાવલી રોડ પર આવેલા શિવાલિક ફાર્મ ત્રણ રસ્તા નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે સામેથી માંતેલા સાંઢની માફક ધસી આવેલી કારે હાર્દિકની બાઈકને ઠોકરે ચડાવી હતી. જેથી હાર્દિક અને તેનો મિત્ર બાઈક પરથી નીચે પટકાયા હતા.

બાઈકને અડફેટમાં લીધા બાદ પણ કાર ચાલકે પોતાનું વાહન થોભાવ્યું નહતુ અને આગળ ઉભી રહેલી રિક્ષાને ટક્કર મારીને નજીકના ઝૂંપડામાં ઘૂસી ગઈ હતી. આ દરમિયાન ઝૂંપડામાં આરામ ફરમાવી રહેલા 6 જેટલા શ્રમિકોને ઈજા પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ભાગી ગયો હતો. બીજી તરફ અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ તો બાઈક સવાર બે મિત્રોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી છે. જ્યારે ઝૂંપડામાં નિંદ્રાધીન શ્રમિકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો સમા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(7:36 PM IST)