<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

અમેરિકામાં ઘૂસણખોરી માટે કેનેડાની કૉલેજમાં એડમિશન થતુ: ગુજરાતમાં જ 1700 એજન્ટ સક્રિય:ED તપાસમાં મોટો ઘટસ્ફોટ

મહેસાણા જિલ્લાના ડિંગુચાનો પટેલ પરિવાર કેસ સંદર્ભે ઇડીની ટીમના મુંબઈ, નાગપુર અને ગાંધીનગર સહિતના સ્થળોએ દરોડા પાડ્યા: મુંબઈ અને નાગપુરની બે સંસ્થાઓ ઉપરાંત યુએસ-કેનેડા બોર્ડર પર આવેલી કોલેજોની સંડોવણી

અમદાવાદ :આજથી બે વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના ડિંગુચાનો પટેલ પરિવાર અમેરિકા-કેનેડાની બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસ દરમિયાન હાડ થીજવતી ઠંડીમાં મોતનો ભોગ બન્યો હતો. આ કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ દ્વારા જેમ-જેમ તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ આ માનવ તસ્કરી કાંડમાં ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે.

હકીકતમાં EDની ટીમે આ કેસ સંદર્ભે મુંબઈ, નાગપુર અને ગાંધીનગર સહિતના સ્થળોએ દરોડા પાડ્યા હતા. જ્યાંથી ડિજિટલ ડેટા, ગુનાહિત ડોક્યુમેન્ટ અને વાહનો જપ્ત કરવા સાથે 19 લાખ રૂપિયાની રકમ ફ્રીઝ કરી હતી.

 

જેની તપાસમાં મુંબઈ અને નાગપુરની બે સંસ્થાઓ ઉપરાંત યુએસ-કેનેડા બોર્ડર પર આવેલી કોલેજોની સંડોવણી સામે આવી છે. આ બે સંસ્થાઓ પૈકી એકનું 112 કોલેજ સાથે જ્યારે બીજીનું 150 કોલેજો સાથે ટાઈઅપ હતુ. આ એગ્રીમેન્ટના આધારે એક સંસ્થાએ 25 હજાર તો બીજી સંસ્થાએ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓને વિદેશ મોકલ્યા છે. આ બન્ને સંસ્થાના સમગ્ર દેશભરમાં 3500 તેમજ ગુજરાતમાં જ 1700 જેટલા એજન્ટો કામ કરતા હોવાનું માલૂમ પડ્યું છે.

આ સંસ્થા મારફતે એજન્ટો અમેરિકા જવા માંગતા વિદ્યાર્થીઓને કેનેડા-યુએસ બોર્ડર પર આવેલી કોલેજોમાં એડમિશન અપાવતા હતા. જેના માટે વિદ્યાર્થીઓ પાસેથી 55 થી 60 લાખ રૂપિયા વસૂલવામાં આવતા હતા. જો કે કેનેડા પહોંચ્યા બાદ વિદ્યાર્થીઓને એડમિશન ફી પરત આપી દેવામાં આવી હતી.

અમેરિકાની બોર્ડર નજીક આવેલી હોવાથી ગુજરાત સહિતના ભારતીય વિદ્યાર્થીઓ અહીં એડમિશન મેળવતા હતા. જે બાદ કાયદેસર રીતે કેનેડા ગયા બાદ તેઓ ગેરકાયદેસર રીતે બ્રોડર ક્રોસ કરીને અમેરિકામાં જતા રહેતા હતા.

2022માં ડીંગુચામાં રહેતા જગદીશ પટેલ (39), તેમના પત્ની વૈશાલી (37), 3 વર્ષીય દીકરો ધાર્મિક અને 11 વર્ષીય પુત્રી વિહાંગા સાથે કેનેડા-અમેરિકાની બોર્ડર ક્રોસ કરવા દરમિયાન બરફમાં ઠુંઠવાઈ જવાથી મોતને ભેટ્યા હતા. જે બાદ અમેરિકા અને ભારતની પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરીને એજન્ટ ભાવેશ પટેલને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછના આધારે EDની ટીમ દ્વારા હવે અન્ય એજન્ટોના ઠેકાણે દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.

(8:57 PM IST)