<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th December 2024

પાવાગઢના વડા તળાવ ખાતે પંચમહોત્સવ ઉજવાશે: ખ્યાતનામ કલાકારો કરશે પરફોર્મ

હાલોલમાં આવેલ સુપ્રસિદ્ધ ઐતિહાસિક પ્રવાસન મથક ખાતે પ્રવાસન વિકાસની આગવી વિશિષ્ટ ઓળખ પ્રવાસીઓને આપી શકાય અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો લાવી શકાય તથા તેને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રસિદ્ધિ મળે તે હેતુથી વર્ષ 2015થી દરવર્ષે જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ પંચમહોત્સવનું આયોજન કરવામાં આવે છે. 

તારીખ 27 થી 29 ડીસેમ્બર સુધી પંચમહોત્સવમાં જિલ્લા સહીત ગુજરાતભરના લોકો મહોત્સવનો આનંદ માણવા માટે ઉમટી પડશે. વહીવટી તંત્ર દ્વારા સ્થાનીક કલાકારોને પ્રોત્સાહીત કરવા માટે તારીખ 27મી ડિસેમ્બરે સાંત્વની ત્રિવેદી અને 28મી ડિસેમ્બરે ભૌમીક શાહ અને 29મી ડિસેમ્બરે ગીતા રબારીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તારીખ 27 ડિસેમ્બરથી 29 ડિસેમ્બરે યાત્રાધામ, ઐતિહાસિક સ્થળ, પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર, નેચરલ ફોરેસ્ટ, હસ્તકલા બજાર, ટેન્ટ સીટીનો લ્હાવો લોકો માણી શકશે. 

   વર્ષ 2024માં હાલોલના પાવાગઢ વિસ્તારમાં આવેલ વડા તળાવ ખાતે તારીખ 27 થી 29 ડિસેમ્બર દરમિયાન પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના સુચારૂ આયોજન અને અમલીકરણ સંદર્ભે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં ગોધરા ખાતે આવેલી કલેક્ટર કચેરીના સભાખંડમાં સબંધિત વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.

(9:54 PM IST)