News of Thursday, 26th December 2024
કાંકરીયા કાર્નિવલ નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવઃભૂપેન્દ્રભાઇ
અમદાવાદમાં કાંકરીયા કાર્નિવલનો મુખયમંત્રીના હસ્તે રંગારંગ શુભારંભ શહેરને રૂ. ૮૬૮ કરોડના વિકાસ કામોની ભેટઃ વિકસીત ગુજરાત,વિકસીત ભારતની થીમ પર કાર્યક્રમોની વણઝાર : નરેન્દ્રભાઇએ સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારોના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ કરાવેલ.

અમદાવાદઃ તા.૨૬: ગઇ કાલે ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદમાં ‘‘કાંકરિયા કાર્નિવલ- ૨૦૨૪'' ના પ્રારંભ કરાવતા જણાવેલ કે વિશ્વ વિરાસતમાં સ્થાન પામેલું અમદાવાદ આધુનિક વિકાસ સાથે કાંકરિયા કાર્નિવલને પણ ઉજવે છે તે વડાપ્રધાનના ‘‘વિરાસત ભી વિકાસ ભી'' ના મંત્રને સાકાર કરે છે. કાંકરિયા કાર્નિવલ દ્વારા વિકસિત ગુજરાત, વિકસિત ભારત થીમ આધારિત કાર્યક્રમોથી રાજ્યના વિકાસમાં સહભાગી થવાની પ્રેરણા સૌને મળશે.
અમદાવાદના શહેરીજનોને શહેરી સુખાકારી અને ઇઝ ઓફ લિવિંગ આપતા રૂ. ૮૬૮ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ પણ સુશાસન દિવસે મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રીએ આ સંદર્ભે સ્પષ્ટપણે કહ્યું કે, શ્રધ્ધેય અટલજીના ૧૦૦માં જન્મ દિવસને અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલના નગરોત્સવ સાથે વિકાસ ઉત્સવ પણ બનાવ્યો છે.
તેમણે કહ્યું કે, સુશાસન, એટલે સમાજના નાનામાં નાના, સામાન્ય માનવી, છેવાડાના માનવીને સુવિધા-સગવડ અને સુખાકારી આપતું શાસન. વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ગુડ ગવર્નન્સથી શહેરીકરણને એક નવો ઓપ મળ્યો છે. રાજ્યનાં શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચરની સાથે શહેરીજનોને મનોરંજન રિ-ક્રિએશન માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ છે. આપણાં શહેરોમાં જનસુખાકારી વધે, હેપ્પીનેસ ઇન્ડેક્સ ઊંચા આવે, સ્માર્ટ સસ્ટેનેબલ અને વર્લ્ડ ક્લાસ સિટીઝ બને તેવી વડાપ્રધાનની નેમ છે, તેમ તેમણે ઉમેર્યું હતું. શહેરને રૂ. ૮૬૮ કરોડના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તથી નાગરિકોના જીવનમાં સુખાકારી વધારશે એવો વિશ્વાસ વ્યકત કરી ભૂપેનદ્રભાઇએ કાર્નિવલના બહુઆયામી આયોજન માટે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમને અભિનંદન આપ્યા હતા. સામાન્ય પરિવાર અને શ્રમજીવી પરિવારોના બાળકોને મનોરંજન માણવા મળે તે માટે આ કાંકરિયા કાર્નિવલની પહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કરાવી છે.
તેમણે વધુમાં કહ્યું કે, પહેલાં કાંકરિયાની ઓળખ તળાવ કાંઠો, નગીનાવાડી, માછલી ઘર, બાલવાટિકા અને પ્રાણી સંગ્રહાલય એ જ હતી. નરેન્દ્રભાઇ મોદીએ આ તળાવની કાયાપલટ કરીને કાંકરિયાને નગરોત્સવનું કેન્દ્રસ્થાન બનાવવાનો શ્રમયજ્ઞ શરૂ કર્યો.
તેમના આગવા વિઝનથી ૨૦૦૬માં રૂપિયા ૩૬ કરોડના ખર્ચે કાંકરિયા લેક ફ્રંટનું નિર્માણ કરવામાં આવ્યું છે. નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૮માં શરૂ કરાવેલા આ કાર્નિવલની હવે તો દર વર્ષનાં ડિસેમ્બર મહિનામાં લોકો આતુરતાથી રાહ જોતાં થયાં છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શિક્ષણ બોર્ડની શાળાના વિદ્યાર્થીઓએ નિયત સમયમાં સૌથી વધુ કેન્ડી ખાવાનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો છે, તે અંગેનું ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફીકેટ મહાનગરપાલિકાને ભૂપેન્દ્રભાઇની ઉપસ્થિતિમાં એનાયત કરવામાં આવ્ય હતું.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
