<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ કેસમાં ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 21 લોકોની ધરપકડ

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદજી ઠાકોર સહિત 200 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને NSUIના સભ્યોએ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દારૂની મહેફિલ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

પાટણ સ્થિત ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ધરણાં દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ કેસમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ગત 16 ડિસેમ્બરના રોજ પાટણ વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કિરીટ પટેલ અને સિદ્ધપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય ચંદજી ઠાકોર સહિત 200 જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને NSUIના સભ્યોએ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દારૂની મહેફિલ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

આ દરમિયાન બંદોબસ્તમાં રહેલ પોલીસ કર્મચારીઓ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી. જો કે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર ફરાર હતા.

જો કે આજે કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર સહિત અન્ય 19 જેટલા કાર્યકરોએ સ્થાનિક પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતુ. જે બાદ તમામની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ આ મામલે 12 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો પર યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓ પર ઝપાઝપી કરવાનો આરોપ છે.

 ગત 8 ડિસેમ્બરના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU)ની હોસ્ટેલમાં આણંદ જિલ્લાના બાસ્કેટ બોલ ખેલાડીઓ દારૂની મહેફિલ માણતા રંગેહાથ ઝડપાયા હતા. ગુજરાતમાં દારૂબંધી હોવાથી પકડાયેલા ખેલાડીઓને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા. જો કે પોલીસે કોઈ કાર્યવાહી કર્યા વિના તમામને છોડી મૂકવાનો આરોપ મૂકીને કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

(7:43 PM IST)