News of Monday, 30th December 2024
રાજ્યમાં વર્ષ 2024માં રોજ 230 વ્યક્તિને હૃદય રોગની બીમારી:ઇમર્જન્સીમાં 17 ટકાનો વધારો
વર્ષ 2024માં 26મી ડિસેમ્બર સુધીની સ્થિતિએ ગુજરાતમાં બીમારીના 83,480 કોલ્સ આવ્યા : ઠંડીની સિઝનમાં પણ હૃદય રોગની બીમારીના કેસમાં વધારો

અમદાવાદ : ગુજરાતમાં વર્ષ 2023ની સરખામણીએ 2024માં હૃદય રોગને લગતી ઈમરજન્સીમાં 17 ટકા જેટલો વધારો નોંધાયો છે, વર્ષ 2023માં હૃદય રોગ સંબંધિત ઈમરજન્સીના 71,591 કોલ્સ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસને મળ્યા હતા, એ પછી વર્ષ 2024માં 26મી ડિસેમ્બર સુધીની સ્થિતિએ ગુજરાતમાં આ બીમારીના 83,480 કોલ્સ આવ્યા છે એટલે કે 17 ટકા જેટલો ઉછાળો આવ્યો છે.
અત્યારે શિયાળાન ઠંડીની સિઝનમાં પણ હૃદય રોગની બીમારીના કેસમાં વધારો જોવા મળ્યો છે. આ બીમારી વચ્ચે સડન ડેથના કિસ્સા પણ સતત સામે આવી રહ્યા છે. એકંદરે ગત વર્ષે રોજના 196 જેટલા કોલ્સ આવ્યા હતા જે અત્યારે વધીને 228થી 230 આસપાસ પહોંચ્યા છે.
અમદાવાદમાં વર્ષ 2023માં કાર્ડિયાક ઈમરજન્સીના 21,182 ઈમરજન્સી કેસ આવ્યા હતા, જોકે વર્ષ 2024માં આ કેસનો આંકડો વધીને 24,460 ઉપર પહોંચ્યા છે. એકંદરે અમદાવાદમાં કાર્ડિયાક ઈમરજન્સીમાં 16 ટકા જેટલો વધારો થયો છે.
ગુજરાતમાં વર્ષ 2021માં કુલ 7.25 લાખ લોકોનાં મોત નોંધાયા છે. આ એક વર્ષના સમય ગાળામાં ગુજરાતમાં મેડિકલી સર્ટિફાઈડ થયેલા અથવા નહીં થયેલામાં હાર્ટ ફેલ્યોરના કારણે કુલ 93,737 લોકોએ જીવ ગુમાવ્યા છે. ગુજરાતમાં હાર્ટ ફેલ્યોરના કારણે વર્ષ 2021માં શહેરી વિસ્તારમાં 69,180 જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 24,617 લોકોના એમ કુલ 93,797નાં મોત થયા છે,
શહેરી વિસ્તારમાં 70 વર્ષ કે તેથી વધુ વયના 21,289, 65થી 69 વર્ષની વયના 8668, 55થી 64 વર્ષની વયના 16,861, 45થી 54 વર્ષની વયના 11,627 દર્દીનાં હાર્ટ ફેલ થવાથી મોત થયા છે. 35થી 45 વર્ષની વયના 5850, 25થી 34ની વયે 2593ના મોત થયા છે. એક વર્ષથી ઓછી વયે હાર્ટફેલ થવાથી 732, એકથી 4 વર્ષની વયે 205, 5થી 14 વર્ષે 303 અને 15થી 24 વર્ષે 1051 મોત થયા છે. એકંદરે 15થી 44 વર્ષની વયે 9494 મોત થયા છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
