News of Tuesday, 31st December 2024
31મી ડિેસેમ્બરે રાતનાં પીધેલાને પકડશે પોલીસ :અનેક વિસ્તારમાં સઘન ચેકીંગ :એક્શન પ્લાન તૈયાર
અમદાવાદની એસપી રીંગ રોડ પર મહત્વના ચેકપોસ્ટ કાર્યરત રાત્રિના સમયે 500 જેટલા બોડીવૉન કેમેરાનો ઉપયોગ 300 જેટલા બ્રેથએનાલાઈઝરનો ઉપયોગ કરી નશો કરેલા વ્યક્તિઓને પકડી પાડવામાં આવશે

અમદાવાદ : શહેરમાં આજે 31 ડિસેમ્બરે લોકો મોડી રાત સુધી ઉજવણી કરશે. અલગ અલગ ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ માં લોકો દ્વારા ન્યુ યર સેલિબ્રેશન કરવામાં આવશે, ત્યારે અનિચ્છનીય કોઈ બનાવ ન બને તેમજ સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણીમાં અમુક સમયે લોકો નશાકારક પદાર્થોનું પણ સેવન કરતા હોય છે જેને અટકાવવા પોલીસ સતર્ક બની છે.
શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રીએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમ જ લોકો શાંતિપૂર્વક નવા વર્ષની ઉજવણી કરી શકે તેના માટે પોલીસ આખી રાત રસ્તા પર જોવા મળશે. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ આયોજનો કરી લીધા છે. પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ શરૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા લિસ્ટેડ બુટલેગરોને રોજે રોજ ચેક કરવામાં આવે છે તેમજ પ્રોવીબિશન અંગે વધુમાં વધુ કેસ પણ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લિસ્ટેડ બુટલેગરો વિરુદ્ધ અટકાયતી પગલા પણ ભરવામાં આવે છે. આ ઉપરાંત શહેરમાં બહારથી દારૂ કે અન્ય નશીલા પદાર્થો ઘુસાડવામાં ન આવે તેને લઈને અમદાવાદની એસપી રીંગ રોડ પર મહત્વના ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. વાહન ચેકિંગ, શંકાસ્પદ વ્યક્તિઓ, ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી, નશાકારક વસ્તુઓની હેરાફેરીને લઈને પણ પોલીસ ચેકિંગ કરી રહી છે.
31 ડિસેમ્બર ની રાત્રિના સમયે 500 જેટલા બોડીવૉન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે તેમજ 300 જેટલા બ્રેથએનાલાઈઝરનો ઉપયોગ કરી નશો કરેલા વ્યક્તિઓને પકડી પાડવામાં આવશે. પોલીસ દ્વારા સીજીરોડ, આઇઆઇએમ, એસજી હાઇવે, સિંધુભવન રોડ, રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં જ્યાં લોકો એકત્ર થતા હોય છે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાશે. પોલીસ દ્વારા પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ આયોજકો અને હોટલ સંચાલકો સાથે પણ મીટીંગ યોજી હતી અને તેમાં પણ નશીલા પદાર્થોનું સેવન અંગેનું આયોજન ન કરવા અંગે સૂચનાઓ આપી હતી. મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે મહિલા પોલીસ કર્મચારીનો સ્ટાફ પણ રાત્રિના સમયે બંદોબસ્તમાં જોડાશે. રાતના સમયે અસામાજિક તત્વો દ્વારા જોખમી રીતે સ્ટંટ ન કરે તેને લઈને પણ પોલીસ ચાપતી નજર રાખશે.
બીજી તરફ પાર્ટી પ્લોટ માં 31 ડિસેમ્બર ની ઉજવણીને લઈને પણ પોલીસ સક્રિય થઈને નિયમો બનાવવામાં આવ્યા છે. જે નિયમોને આધારે પાર્ટી પ્લોટમાં ઉજવણી માટે મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધી શહેરભરના અલગ અલગ જગ્યાઓ પરથી 16 પાર્ટી પ્લોટમાં આયોજન માટે મંજૂરીઓ માંગવામાં આવી છે તો બીજી તરફ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર, ફાયર સહિતના નિયમોને આધીન મંજૂરીઓ આપવામાં આવશે. આ ઉપરાંત કેપેસિટી કરતાં વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેમજ નશાકારક દ્રવ્યો, હુક્કા જેવા પદાર્થોનું સેવન કરશે તો કાર્યવાહી કરવામાં આવશે. આયોજન સ્થળના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર નાઈટ વિઝનના સીસીટીવી કેમેરા પણ લગાવવા ફરજિયાત કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા ખાનગી સિક્યુરિટી પણ રાખવા માટે સૂચના આપવામાં આવી છે, તેમજ મેટલ ડિટેક્ટર થી ચેકિંગ પણ કરવા માટે સૂચના અપાય છે. આ ઉપરાંત કલાકારોના પણ આઈડી પ્રૂફ સાથે રાખવા માટે પાર્ટી આયોજકોએ સૂચના આપવી પડશે.
હાલ તો પોલીસ શહેરમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને એક્શન પ્લાન બનાવ્યો છે અને પોલીસ રસ્તા ઉપર પણ જોવા મળશે ત્યારે પોલીસ દ્વારા લોકોને પણ નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્વક કરવા માટે અપીલ કરવામાં આવી છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
