<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

સારંગપુર ઑવર બ્રિજના રિ-ડેવલોપમેન્ટને લઈને BRTSના 4 રૂટમાં ફેરફાર કરાયા:હવે 2 સ્ટેશન પર બસ સેવા બંધ રહેશે

દોઢ વર્ષ માટે સારંગપુર રેલવે ઑવર બ્રિજ પર વાહનોની અવરજવર બંધ રાખવા પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ

 અમદાવાદ સ્થિત કાલુપુર રેલવે સ્ટેશનના રિ-ડેવલોપમેન્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે રેલવે સ્ટેશનની નજીક આવેલ સારંગપુર રેલવે ઑવર બ્રિજના નવીનીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી હોવાથી આ બ્રિજને આગામી દોઢ વર્ષ માટે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવામાં આ રૂટ પરથી પસાર થતી BRTS બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, આગામી 2 જાન્યુઆરી, 2025થી 30 જૂન, 2026 સુધી સારંગપુર રેલવે ઑવર બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે આગામી 2 જાન્યુઆરીથી BRTSની બસના રૂટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સારંગપુર બ્રિજ નવો બનવાના કારણે વાહન ચાલકો ગીતા મંદિર, ગાંધી રોડ, ખાડિયા તરફથી આવતા વાહનો અંબિકા બ્રિજ, એપરલ પાર્ક થઈને અનુપમ સિનેમા વાળા રસ્તાનો ઉપોયગ કરી શકશે. તેમજ ગીતા મંદિરથી કાલુપુર સર્કલ જવા માટે સારંગપુર સર્કલ થઈ રેલ્વે સ્ટેશન સામેનો એક તરફનો માર્ગનો માર્ગ ચાલું છે. જેનો ઉપયોગ કરી મોતી મહેલ હોટલ થઈ કાલુપુર સર્કલ તથા અન્ય અલગ અલગ માર્ગો તરફ જઈ શકાશે.
આ ઉપરાંત રખિયાલ, ઓઢવ તરફથી સારંગપુર બ્રિજ તરફ આવતા વાહનોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુ કોટન ચાર રસ્તાથી અનુપમ સિનેમા, કાંકરીયાથી ગીતા મંદિર થઈ અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે અને રખિયાલ ઓઢવ તરફથી કાલુપુર સકલ કે કાલુપુર બ્રિજ તરફ જવા માટે કામદાર મેદાન ચાર રસ્તા થઈ ચારતોડા કબ્રસ્તાનથી સરસપુર ગુરુદ્વારા થઈ કાલુપુર બ્રિજ તરફ થઈ શહેરના અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, ગત જૂન મહિનાથી શરૂ કરવામાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણનું કામ આગામી 5 જૂના, 2027 સુધીમાં પૂર્ણ કરી દેવાનો પ્રસ્તાવ રખાયો છે. 2,47,116 સ્કવેર મીટરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ 2,387 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવનાર છે. જેમાં 3,319 વાહનોના પાર્કિંગની સુવિધા હશે. એરપોર્ટ જેવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું સુખ-સુવિધાવાળું અમદાવાદ રેલવે સ્ટેશન બનાવવાનું આયોજન છે.

(7:04 PM IST)