<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

સુરતમાં બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશનનું ત્રણ માળનું માળખું બનીને તૈયાર

વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ ચાર સ્ટેશનોમાં સુરત તૈયાર થનારુ પ્રથમ સ્ટેશન: ભારતીય રેલવે દ્વારા વર્ષના અંતની સમીક્ષામાં બુલેટ ટ્રેનના કામની વિગતો શેર કરાઈ

અમદાવાદ-મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન સેવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઇને સમયાતંરે નવા અપડેટ સામે આવી રહ્યાં છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણની સાથે સાથે સ્ટેશન બનાવવાનું કાર્ય પણ વેગવંતી ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે NHSRCLના જણાવ્યા મુજબ સુરત પ્રથમ સ્ટેશન બનીને તૈયાર થવાનું છે.

   NHSRCLના એક અધિકારીના જણાવ્યા મુજબ ચાર સ્ટેશનો (વાપી, બિલિમોરા, સૂરત, ભરૂચ) પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેમાં ડિસેમ્બર 2024 સુધી સુરત સ્ટેશન તૈયાર કરવાનું હતું. ત્યારે આ ચાર સ્ટેશનોમાં સુરત તૈયાર થનારુ પ્રથમ સ્ટેશન છે. NHSRCL આ પ્રોજેક્ટ સંભાળી રહેલી એજન્સી છે.

તાજેતરમાં ભારતીય રેલવે દ્વારા વર્ષના અંતની સમીક્ષામાં બુલેટ ટ્રેનના કામની વિગતો શેર કરવામાં આવી છે. ટ્રેનનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તેની માહિતી શેર કરવામાં આવી છે. સમીક્ષામાં કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટ હેઠળ 243 કિલોમીટરથી વધુ બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. 352 કિમી પિયરનું કામ અને 362 કિમી પિયર ફાઉન્ડેશનનું કામ પૂર્ણ થયું છે. ગુજરાતમાં ટ્રેક બનાવવાનું કામ ઝડપી ગતિએ થઈ રહ્યું છે. આણંદ, વડોદરા, સુરત અને નવસારીમાં આરસી ટ્રેક બેડનું કામ કરવામાં આવી રહ્યું છે. લગભગ 71 કિમી આરસી ટ્રેકનું કામ પૂર્ણ થયું છે.

ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મુંબઈ અને અમદાવાદની વચ્ચે બુલેટ ટ્રેન કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ધાટન 2017માં કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ પ્રોજેક્ટ પર કામ 2023 સુધી પુરો કરવાનો લક્ષ્યાંક હતો, જો કે જમીન અધિગ્રહણના મુદ્દા અને કોરોનાના કારણે નિર્માણ કામ મોડુ થયું.સરકાર 2026 સુધીમાં દેશમાં બુલેટ ટ્રેન શરૂ કરવાની યોજના ધરાવે છે, પરંતુ આ પ્રોજેક્ટમાં વારંવાર વિલંબ થઈ રહ્યો છે. આ વિલંબને કારણે હવે ભારત સરકાર જાપાન ઉપરાંત અન્ય દેશો સાથે વાત કરી રહી છે.

આ પ્રોજેક્ટની કમાન નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના હાથમાં છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ અંદાજે 1.08 લાખ કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે ભારતમાં બુલેટ ટ્રેનની મહત્તમ સ્પીડ 350 કિમી પ્રતિ કલાક હશે. આ ટ્રેન મુંબઈથી અમદાવાદનું 508 કિમીનું અંતર 3 કલાકથી ઓછા સમયમાં કવર કરશે. મુંબઈમાં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સ્ટેશન હશે.

(8:37 PM IST)