News of Wednesday, 1st January 2025
રાજપીપળાની કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું
કાઉન્સિલર ખ્યાતિ બેને આવી મનોવૈજ્ઞાનિક સમસ્યાને સાઇબર ક્રાઇમ સાથે જોડીને કેવું ગુનાહિત કૃત્ય કરવામાં આવે છે તેની ઉદાહરણ સહિત ચર્ચા કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :આધુનિક સમયમાં ભૌતિક સુખ વધી ગયું છે તેની સામે માનસિક શાંતિની પણ જરૂર એટલી જ ઊભી થઈ છે. આજે આર્થિક સધ્ધરતા આવી છે તેની સામે લોકોમાં સહનશક્તિનો સતત ઘટાડો થતો જોવા મળે છે. એમ કહેવાય છે કે ૮૦ ટકા લોકોમાં નાના મોટી માનસિક તાણ જોવા મળે છે. કારકિર્દી નો તનાવ, આર્થિક તણાવ. સામાજિક તણાવ તેમજ સોશિયલ મીડિયાના કારણે એક યા બીજી રીતે માણસના મનને કોઈને કોઈ પીડા થતી હોય છે . આથી જ તે ક્યારેક ખોટું પગલું ભરી દે છે. વિદ્યાર્થીઓમાં ઊભા થતા તણાવ અને તેની સમસ્યા નિરાકરણ કરવા માટે રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં કોલેજના પ્રિન્સિપાલ ડો. હિતેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના કાઉન્સિલર ખ્યાતિ બેન દવે દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ અને તેમાંય ખાસ કરીને બહેનોને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ખ્યાતિ બેને વાત કરતા તરુણ અવસ્થા અને યુવા અવસ્થામાં ઉદભવતી સમસ્યાઓને સ્પષ્ટ કરી આપી હતી. સાથે સાથે આજની સોશિયલ મીડિયાથી પ્રભાવિત અને તેના સકંજામાં ફસાયેલી યુવા પેઢીને જે માનસિકતાણ અનુભવાય તેમાંથી કેવી રીતે નિરાકરણ કરી શકીએ તેની વિગતવાર ચર્ચા કરી હતી. આજની વિદ્યાર્થી બહેનોમાં આવી કોઈ સમસ્યા અને અન્ય વ્યક્તિને કે કોઈ વડીલને ન કહી શકવાથી ક્યારેક કોઈ ગંભીર પરિણામ આવી શકે છે. કાઉન્સિલર ખ્યાતિ બેને આવી મનોવૈજ્ઞાનિક સમસ્યાને સાઇબર ક્રાઇમ જોડે જોડીને આજે કેવું ગુનાહિત કૃત્ય કરવામાં આવે છે તેની ઉદાહરણ સહિત ચર્ચા કરી હતી. આ પ્રસંગે કોલેજની અધ્યાપિકા હીના માલી તેમજ ક્રિષ્ના પટેલે સહયોગ આપ્યો હતો. કોલેજના આચાર્ય ડો.ગાંધીએ માનસિક તણાવ ની ભૂમિકા બાંધી આપી આજના સમયમાં માનસિક તંદુરસ્તીની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો . આમ આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી બની રહ્યો હતો.
(11:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
