તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd January 2025
અમારે બનાસકાંઠામાં જ રહેવું છે... નિર્ણય પાછો નહીં ખેંચાય તો આંદોલન
નવા જિલ્લા વિભાજનમાં ધાનેરા, કાંકરેજ તથા દિયોદરના લોકોનો વાવમાં સમાવેશ સામે ઉગ્ર અસંતોષ શિહેરીમાં દુકાનદારોએ બંધ પાળી વિરોધ નોંધાવ્યોઃ ભોૈગોલિક સ્થિતિ ધ્યાને ન લેવાઇ હોવાની કાંકરેજના ધારાસભ્યોનો આક્ષેપ

ગાંધીનગર : તા. ૨: બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીે વાવ-થરાદને નવા જિલ્લો જાહેરકરાતા ધાનેરા, કાંકરેજ અને દિયોદરના લોકોએ તેમાં જોડાવાનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે. કાંકરેજના ધારાસભ્ય અમળતજી ઠાકોર અને ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલ સહિતના અગ્રણીઓએ પણ તેમના તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માગ કરી છે. ઉપરાંત, સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
બનાસકાંઠાના વિભાજન બાદ ધાનેરા-કાંકરેજ અને દિયોદરનો વાવ-થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે આ તાલુકાના રહેવાસીઓને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો છે. શિહોરીમાં દુકાનદારોએ દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો છે. વિભાજનનો વિવાદ વકરતો જાય છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
કાંકરેજના ધારાસભ્ય અમળતજી ઠાકોરે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે સરકારે ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય લઈ લીધો છે. કાંકરેજ તાલુકાના રહેવાસીઓની માંગણી છે કે તેઓ બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગે છે.
ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાલાલ પટેલે વિરોધ વ્યક્ત કરતાં કહ્યું કે ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે. ધાનેરાવાસીઓ માટે થરાદ અનુકૂળ વિસ્તાર નથી. જો ભવિષ્યમાં લોકો સરકારના આ નિર્ણયના વિરોધમાં આંદોલન કરશે તો કોંગ્રેસ તેમની સાથે ઊભી રહેશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતાં કહ્યું કે, હાલ આ જિલ્લાના ૧૪ તાલુકામાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ ૮ તાલુકા તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.બનાસકાંઠા જિલ્લામાં બાકીના ૬ તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ ૬ તાલુકા તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકા ઓનો સમાવેશ થશે. રાજ્ય સરકાર દ્વારા નવ મહાનગર પાલિકાની સાથે એક નવા જિલ્લાની પણ જાહેરાત કરી છે. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં બનાસકાંઠાના વિભાજન ની સાથે જ વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કરાયો છે. આ નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. ત્યારે હવે ગુજરાતમાં ૩૩ નહીં કુલ ૩૪ જિલ્લા છે.
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
