તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 3rd January 2025
ગુજરાતને મળી શકે છે વધુ ૧૦ નવી મહાનગરપાલિકા !
વર્ષ ૨૦૨૫ના અંતે રાજ્યમાં કુલ ૨૭ મહાનગરપાલિકાઓ હશે તેવા સંકેત ૨૦થી વધુ ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં પરિવર્તન કરવાની પણ કવાયત

અમદાવાદ તા. ૩ : ગુજરાત સરકારે રાજયમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. લગભગ ૧૪ વર્ષ બાદ આ નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી રહી છે.
જો કે હવે આગામી સમયમાં સરકાર દ્વારા વધુ ૧૦ નગરપાલિકાઓનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાની તૈયારીઓ કરી રહી હોવાની વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે.
રાજય સરકાર દ્વારા છેલ્લે વર્ષ ૨૦૧૦માં ગાંધીનગર મનપાની રચના કર્યા બાદ ૧૪ વર્ષ પછી નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરવામાં આવી છે.
નવી મનપાની રચનાની વચ્ચે રાજયમાં હવે બીજા તબકકામાં વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી સહિત વધુ ૧૦ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતર કરવા માટે પણ તૈયારી કરી રહી હોવાની શક્યતા છે.
આથી વર્ષ ૨૦૨૫ના અંતે રાજયમાં કુલ ૨૭ મહાનગરપાલિકાઓ હશે તેવા સંકેત મળી રહ્યા છે.
સૂત્રોના જણાયા અનુસાર ૧૦થી વધુ નગરપાલિકાઓને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રૂપાંતર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે.
આ સાથે જ ૨૦થી વધુ ગ્રામ પંચાયતોને નગરપાલિકામાં પરિવર્તન કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી છે. હવે રાજય સરકાર સૌરાષ્ટ્ર-કચ્છમાં મોટી નગરપાલિકાઓમાં વેરાવળ, સોમનાથ, ભુજ, અમરેલી ઉપરાંત રાજયની અન્ય મોટી નગરપાલિકા જેમાં ભરૂચ, પાટણ, ગોધરા, વલસાડ, પાલનપુર અને હિંમતનગરનો સમાવેશ થાય છે તેને આગામી દિવસોમાં મહાનગરપાલિકાનો દરજજો આપવામાં આવી શકે છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
