News of Friday, 3rd January 2025
અલ્પેશ કથિરિયાએ કહ્યું- પાર્ટીને સાઇડમાં મુકીને લડતમાં જોડાજો :અમરેલીની પાટીદારની દીકરીને ન્યાય માટે સુરતમાં બેઠક યોજાઈ
સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી સરકારની છે. પરંતુ નિર્દોષ લોકો આમા દંડાય ન જાય તેની પણ એટલી જ કાળજી રાખવી જોઇએ.

અમરેલીમાં થયેલા લેટરકાંડ અને ત્યારબાદ પાટીદાર સમાજની દીકરીની જાહેરમાં સરભરા(વરઘોડો) કરવામાં આવી હતી. જેના પડઘા ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ ગુજરાત સુધી પડ્યા છે. ગઇકાલે રાત્રે સુરતમાં અલ્પેશ કથિરિયાની આગેવાનીમાં પાટીદાર સમાજની એક બેઠક મળી હતી. જોકે બેઠક માટે જગ્યા ન મળતા રસ્તા પર જ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે, દીકરીને ન્યાય અપાવવા માટેની લડતમા જોડાવા માટે પાર્ટીને સાઇડમાં મુકીને આવજો.
ગઇકાલે મળેલી બેઠકમાં અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે, વહેલી તકે દીકરી કેવી રીતે બહાર આવે તે રીતના પ્રયત્નો છે. કોઇ પાર્ટીના વિરોધમાં આપણા પગલા નથી. એટલે દરેક વ્યક્તિએ પોત-પોતાની પાર્ટીને સાઇડમાં રાખીને જોડાવવું હોય તો આવવાનું. કોઇને પાર્ટી પ્રત્યે પ્રેમ હોય કે કોઇને કોઇ પાર્ટી પ્રત્યે વિરોધ હોય તો આ દીકરીવાળી લડાઈમાં જોડાવું નહીં. તમે પાર્ટી મુકીને આવો તો કોઇ વાંધો નથી. અત્યારે દુઃખની વાત એ છેકે દીકરીની લડાઇ માટે પણ આપણને જગ્યા મળતી નથી. આંદોલનની જેમ રસ્તા પર ઉતરવું પડ્યું છે.
આજે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ગઇકાલે પાટીદાર સમાજના યુવકો દ્વારા અહીં એક મીટિંગનું આયોજન કર્યું હતું. એ મીટિંગમાં જે જગ્યા હતી. એ ફાર્મના માલિક હતા તેમના પર કોઇ દબાણ અથવા તો તેમને કોઇ ભય લાગતો હોય એટલા માટે ગઇકાલે મીટિંગ રદ થઇ હતી. ગુજરાતમાં આપણી દીકરી સાથે જે ઘટના બની છે અને તેને આરોપી તરીકે જોડવામાં આવી. ત્યારે અમારી મુખ્ય માગણી છેકે, દીકરી વ્હેલી તકે જામીન મુક્ત થાય અને તેનું સંપૂર્ણ એફઆઇઆરમાંથી નામ દૂર થાય. આજે જામીનની સુનાવણી અમરેલી કોર્ટમાં થઇ ગઇ છે. આજે જામીન મુક્ત થઇ શકે છે. તેમજ આવતીકાલે આ પ્રક્રિયામાંથી જ તેનું નામ દૂર થાય એ રીતનો હુકમ આવે એવી આશા સાથે અમે આગળ વધી રહ્યાં છીએ.
આગામી દિવસોમાં દીકરીની શું ઇચ્છા છે. તેના પરિવારની જે કોઇપણ વાત હોય તેને અમે સાંભળીશું અને તેમની જે માગ હશે તેની સાથે અમે રહીશું. વરઘોડાની જે બાબત છે તે વાતને મારુ ખુલ્લુ સમર્થન છે. સમાજની અંદર ભય ફેલાવતા કોઇપણ સમાજના, ધર્મના અસમાજિક તત્વોની ચોક્કસ સરભરા થવી જોઇએ. સમાજને ભયમુક્ત રાખવાની જવાબદારી સરકારની છે. પરંતુ નિર્દોષ લોકો આમા દંડાય ન જાય તેની પણ એટલી જ કાળજી રાખવી જોઇએ.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
