News of Saturday, 4th January 2025
આ વર્ષે શિયાળો લાંબો ચાલશે:કયારે ઉનાળાની શરૂઆત થશે: જાણો પરેશ ગોસ્વામીની આગાહી
15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી છેલ્લા 2 વર્ષની સરખામણીમાં ઝાકળ વર્ષાનું પ્રમાણ વધારે જોવા મળશે.

અમદાવાદ :ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગુજરાતમાં ઉત્તરથી પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા હોવાના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સામાન્ય વધારો થયો છે. જેના પરિણામે લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શિયાળાના અંત અને ઉનાળાની શરૂઆતને લઈને મોટી આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આ વર્ષે શિયાળો થોડો લાંબો ચાલશે. ગત 2024ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનાથી જ તાપમાન ઊંચુ જવા લાગ્યું હતુ. જેથી 15 ફેબ્રુઆરીની આસપાસ ઉનાળા જેવો માહોલ થઈ ગયો હતો. જે બાદ માર્ચ, એપ્રિલ અને મે મહિના દરમિયાન રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું હતુ. લોકો પણ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આમ એકંદરે 2024નો ઉનાળો સૌથી લાંબો રહ્યો હતો.
જો કે આ વર્ષે આટલો લાંબો ઉનાળો જોવા નહીં મળે. ફેબ્રુઆરી મહિનામાં પણ ઠંડી ઘટવાની નથી. જો કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં પડેલી ઠંડી કરતાં ફેબ્રુઆરીમાં ઠંડી ઓછી થશે.
ગત વર્ષે 15 ફેબ્રુઆરીથી ઉનાળાની શરૂઆત થઈ હતી, તે આ વર્ષે આટલો જલ્દી ઉનાળો નહીં આવે. આ વર્ષે 2025માં 10 માર્ચની આસપાસ ઉનાળાની શરૂઆત થઈ શકે છે. આથી ઉનાળું પાકનું વાવેતર કરનારા ખેડૂત મિત્રોએ 10 માર્ચ પછી વાવેતર કરવું સલાહભર્યું રહેશે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, અત્યારે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં હીમવર્ષા થઈ રહી છે અને જે પ્રકારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. જેનું પ્રમાણ જાન્યુઆરીમાં પણ વધારે રહેશે. આથી 15 જાન્યુઆરી બાદ માવઠાની શક્યતા રહેશે, પરંતુ તે અપવાદ રહેશે. જો કે 15 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી છેલ્લા 2 વર્ષની સરખામણીમાં ઝાકળ વર્ષાનું પ્રમાણ વધારે જોવા મળશે.
(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
