<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

ભરૂચ DGVCLમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓની બઢતીમાં અન્યાય થયાના આક્ષેપ

કર્મચારીઓએ કરેલી રજુઆત ધ્યાને લેવામાં નહીં આવે તો કર્મચારીને ન્યાય અપાવવા આંદોલન કરવાની પણ યુનિયને આપી ચીમકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: ભરૂચ DGVCL કંપનીમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા કર્મચારીઓની બઢતી બદલી બાબતે ભરૂચ સર્કલના એસ.ઇ ઉત્પલ ચૌધરીની મનમાની, તાનાશાહી નીતિ સામે કર્મચારીઓને નુકશાન થવાની સંભાવના થી કર્મચારી હિતમાં કંપનીના નીતિ નિયમોનું પાલન કરી ચાલી આવેલ પદ્ધતિ મુજબ રિકવેસ્ટ અરજી પહેલા મંજુર કર્યા બાદ જ પ્રમોશનમાં પોસ્ટિંગ આપવા રજુઆત કરવામાં આવી.

   DGVCL ભરૂચ સર્કલમાં છેલ્લા કેટલા સમયથી તમામ વર્ગના કર્મચારીઓની વિનંતીથી બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા નથી. જેના કારણે કર્મચારી વર્ગમાં ખૂબ જ આક્રોશ ફેલાયેલ છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘને રજુઆત કરવામાં આવી હતી કે અમે કર્મચારીઓ જેતે સમયે પ્રમોશન લેવા તથા સંસ્થા હિતમાં નિયમ મુજબ જે તે ખાલી જગ્યાઓ ઉપર પોતાના નિવાસ થી દુર દુર પ્રમોશન સ્વીકારી હાજર થયેલ છે. અને જે તે વખતે સ્થાનિક જગ્યાઓ ખાલી હતી તો પહેલા રિકવેસ્ટ મંજુર કરી અને ત્યારબાદ દુરની કચેરીઓમાં જગ્યા ખાલી પડી ત્યાં અમોને પ્રમોશન આપેલ હતા. જે અમો કર્મચારીઓ તેવી આશાથી પ્રમોશન સ્વીકારેલ કે, જ્યારે જગ્યા ખાલી પડશે ત્યારે આપણે પોતાના ઘર/પરિવાર નજીક રિકવેસ્ટ થી પરત વતનમાં પોહચી જઈશું, પરંતુ કર્મચારીઓ ને મળેલી જાણકારી મુજબ ભરૂચ સર્કલના એસ.ઇ ઉત્પલ ચૌધરી એક અમાન્ય યુનિયન ના ઈશારે રિકવેસ્ટ મંજુર કર્યા વગર નવા પ્રમોશન લેનાર કર્મચારીઓને પોસ્ટિંગ આપી જગ્યા ભરી દેવા માંગે છે તેવા આક્ષેપ થયા છે.
જો આમ થાય તો જે કર્મચારીઓ એક, બે, ત્રણ વર્ષ જેટલા વર્ષથી કંપની પોલિસી મુજબ પ્રમોશન મેળવી પોતાના ઘરથી/વતનથી દૂર ગયા છે તેઓ ને વર્ષો સુધી પોતાના ઘર/પરિવાર/વતનની નજીક આવવાનો ચાન્સ મળશે નહીં. અને તેમને આર્થિક/નાણાકીય/સામાજિક અને માનસિક ખૂબ જ મોટું નુકસાન  થશે.
એસ.ઇ DGVCL ભરૂચ ની આવી તાનાશાહી/જોહુકમી કે અમાન્ય યુનિયન ના ઈશારે કે તેને સપોર્ટ કરવાના ભાગરૂપે કર્મચારીઓ ને હેરાન પરેશાન કરવાના બદઇરાદે જો કંપનીના નિયમોનું કે ચાલી આવેલ પધ્ધતિનું ઉલ્લંઘન કરવામાં આવશે તો અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ કર્મચારી હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરતા પણ અચકાશે નહીં. અને અધિક્ષક ઈજનેર ની તાનશાહી સામે તાત્કાલિક અસરથી આંદોલન શરૂ કરશે. તેમ તા. 03.01.2024 ના રોજ એક આંદોલન નોટિસ આપી ને ચીમકી ઉચ્ચારી છે

(10:08 PM IST)