<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th January 2025

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી પાર્કમાં દીપડો ઘુસી જતા ૮ કાળિયાર હરણ ફાડી ખાતા પ્રવાસીઓમાં ભય

દીપડો ઘુસી ગયો હતો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કિપરોમાં નાસ ભાગ મચી: તમામ કાળિયાર હરણના પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટ મોર્ટમ કરી અગ્નિ સંસ્કાર કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા જંગલ સફારી પાર્કમાં રાખેલા પ્રાણીઓ અગાઉ કોઈકને કોઈક કારણોસર મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે 1લી જાન્યુઆરીએ વેહલી સવારે જંગલ સફારી પાર્કમાં દીપડો ઘુસી ગયો હતો અને 8 કાળિયાર હરણનો શિકાર કર્યો હોવાની એક ઘટના બનતા એ તરફ આવતા પ્રવાસીઓમાં ડર ફેલાયો છે

  કેવડીયા આસપાસના જંગલ વિસ્તારમાં ઘણા બધા માનવભક્ષી દીપડાઓ છે.ત્યારે 1 જાન્યુઆરીએ વેહલી સવારે આસપાસના જંગલ વિસ્તારમાંથી એક દીપડો અચાનક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના જંગલ સફારી પાર્કમાં ઘુસી આવ્યો હતો.અને કાળિયાર હરણ જ્યાં રાખેલા છે ત્યાં જઈ ચઢ્યો હતો.એણે એક પછી એક 8 જેટલાં કાળિયાર હરણોનો શિકાર કરતા તમામના મૃત્યુ નિપજયા હતા.દીપડો ઘુસી ગયો હતો એ દરમિયાન જંગલ સફારી પાર્કમાં નાઈટ ડ્યુટી કરી રહેલા એનિમલ કિપરોમાં નાસ ભાગ મચી હતી, તેઓ દીપડાથી પોતાનો જીવ બચાવવા માટે નજીકના ગેજમાં સંતાઈ ગયા હતા. જો કે એનિમલ કીપરોએ બુમા બુમ કરી મુકતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો.
આ બાબતે કેવડીયામાં ફરજ બજાવતા વન વિભાગના  ડી.એફ.ઓ અગ્નીશ્વર વ્યાસે જણાવ્યું હતું કે કેવડીયાની આસપાસના સેંચ્યુરી વિસ્તારમાંથી જંગલ સફારી પાર્કમાં દીપડો આવી ગયો હતો અને 8 કાળિયાર હરણો પર હુમલો કરતા એમનું મૃત્યુ નિપજ્યું હતું. સરકારી પ્રોટોકોલ મુજબ જંગલ સફારી પાર્કમાં જ પશુ ચિકિત્સકની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ અપાયો હતો.આખો વિસ્તાર સી.સી.ટી.વી થી કવર કરેલો છે એટલે એ દીપડો ક્યાં છે એની તપાસ ચાલુ છે. આ ઘટનાનો અમે વાઇલ્ડ લાઈફ પી.સી.સી.એફ અને સરકારમાં રિપોર્ટ કરી દીધો છે.
દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ
આ ઘટના બાદ જંગલ સફારી પાર્કનું સંચાલન કરી રહેલી એક ખાનગી કંપનીએ સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી.જે બાદ તુરંત એ ટીમ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને મૃત્યુ પામેલા કાળિયાર હરણો પર દીપડાએ કેવી રીતે હુમલો કર્યો એ બાબતે તપાસ હાથ ધરી હતી. દીપડો જંગલ સફારી પાર્કમાં જ છે કે બહાર નીકળી ગયો એ મુદ્દે મૂંઝવણ છે.સફારી પાર્કમાં 400 થી વધુ સી.સી.ટી.વી કેમેરા લગાવેલા છે.
- આ ઘટના બાદ જંગલ સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓમાં ભય
જંગલ સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે આટલી ચુસ્ત વ્યવસ્થા હોવા છતાં પણ બહારના જંગલ માંથી દીપડો ઘુસી જતો હોય તો આ જોતાં સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ અને અંદર કામ કરતાં કર્મચારીઓનો જીવ જરૂર જોખમમાં છે એમ કહી શકાય.આ ઘટના બાદ જંગલ સફારી પાર્કના કર્મચારીઓ અને ત્યાં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હજુ ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે એ જરૂરી બન્યું છે. હાલ તો આ ઘટના બાદ જંગલ સફારી પાર્કમાં આવતા પ્રવાસીઓ માં ભય ફેલાયો છે

(10:11 PM IST)