<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

૨૨ લાખ લિટર દૂધ ભરેલા ૧૮૨ ટેન્કરના નમૂનાની તપાસ થઈઃ દૂધના તમામ નમૂનામાં કોઇ ભેળસેળ નહીં: ડો. કોશિયા

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેન્કરોની આકસ્મિક તપાસ કરી નમૂના લેવાયા હતા

ગાંધીનગર , તા.૫,

છેલ્લા કેટલાક સમયથી તમામ ચીજવસ્તુમાં બેફામ ભેળસેળ થઇ રહી છે ત્યારે લગભગ તમામ નાગરિકો કોઇને કોઇ સ્વરૂપે ઉપયોગમાં લે છે તેવા દૂધની ગુણવત્તા યોગ્ય છે કે નહીં તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ૨૨ લાખ લિટર દૂધમાંથી નમૂના લઇ ગુણવત્તા ચકાસવામાં આવી હતી.

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત ગુજરાતના કુલ ૧૮૨થી વધુ દૂધના ટેક્નરોની આકસ્મિક તપાસ કરી નમૂના લેવાયા હતા જેમાં કોઇ ભેળસેળ સાબિત થઇ ન હતી.

નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે તંત્રને દૂધની ગુણવત્તા બાબતે નાગરિકો તરફથી અવારનવાર ફરિયાદો મળતી હોય છે. ગત વર્ષે ૩૩૦૦ નમૂનામાંથી ૩ ટકા ધારાધોરણ મુજબના ન હોઈ તે માટે જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

 આ વખતે રાજ્યની અલગ-અલગ બોર્ડર પર પરપ્રાંતથી આવતા ટેક્નરોની ચકાસણી કરી દૂધના ૪૦થી વધુ નમૂના સ્થળ પર જ ચકાસાયા હતા. તે સાથે રાજ્યમાં આવેલી ૧૪ ડેરી પર ૧૫૦થી વધુ ટેક્નરોના દૂધની ગુણવત્તાની પણ ખરાઈ કરાઇ હતી. રાજ્યમાંથી ટેક્નર, કેન તથા અન્ય માધ્યમથી ડેરીમાં આવતા ૯૦૦ જેટલા દૂધના નમૂનાની સ્થળ પર જ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા ચકાસણી કરાઇ હતી. જે જથ્થો ધારાધોરણ મુજબ હતો અને અન્ય કોઈ પણ પ્રકારના પદાર્થ જેવા કે યુરિયા, શુક્રોઝ, માલ્ટોડેક્સટ્રીન, સોડિયમ બાયકાર્બોનેટ, ડિટર્જન્ટ કે અન્ય હાનિકારક કેમિકલની હાજરી જોવા ન મળી હતી.

મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જેવા પરપ્રાંતથી આવતા દૂધના ટેક્નરોમાંથી નમૂના લઇને તપાસ કરાતા તેમાં પણ કોઇ ભેળસેળ જોવા મળી ન હતી. 

(4:09 PM IST)