<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

સુરતના પાંડેસરામાં માતાએ ઠપકો આપી મોબાઈલ છીનવી લેતા દીકરીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

નાની બહેન સૂતી હતી ત્યારે ગળે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી: દીકરીને લટકતી જોઈને સ્તબ્ધ બનેલી માતાએ પોક મૂકતા પાડોશીઓ એકઠા થઈ ગયા

સુરત :શહેરના પાંડેસરા વિસ્તારમાંથી આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી દીકરીને માતાએ ઠપકો આપ્યો હતો. જેથી લાગી આવતા દીકરીએ ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતુ.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના વતની રાજનભાઈ હાલ પાંડેસરા સ્થિત ચિકુવાડી નજીક પત્ની અને બે દીકરીઓ સહિતના પરિવાર સાથે રહે છે. રાજનભાઈ મિલમાં લેબર કોન્ટ્રાક્ટ રાખી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેમની બે દીકરીઓ પૈકી મોટી દીકરી વર્ષા આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.

 

ગઈકાલે નાની દીકરી ઘરમાં સૂતી હતી અને વર્ષા મોબાઈલ જોવામાં મશગુલ હતી. આથી માતાએ ઠપકો આપીને વર્ષા પાસેથી મોબાઈલ લઈ લીધો હતો. જે બાદ માતા શાકભાજી લેવા ગયા હતા.

થોડીવાર બાદ માતા શાકભાજી લઈને ઘરે પરત ફર્યા ત્યારે નાની દીકરી સૂતી હતી, જ્યારે વર્ષાએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. દીકરીને લટકતી જોઈને સ્તબ્ધ બનેલી માતાએ પોક મૂકતા પાડોશીઓ એકઠા થઈ ગયા હતા. જે બાદ તાત્કાલિક 108ની મદદથી વર્ષાને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરી હતી. આમ નજીવી બાબતે દીકરીએ આત્યંતિક પગલું ભરતા પરિવાર શૉકમાં ગરકાવ થઈ ગયો છે.

બીજી તરફ સીગીરાના મામા સંદિપ યાદવે જણાવ્યું કે, વર્ષાને કોઈ પણ પ્રકારની ચિંતા નહતી. તે સ્કૂલેથી ઘરે આવીને મોબાઈલ જોઈ રહી હતી. આ સમયે તેની માતાને શાક લેવા બજાર જવું હોવાથી તેમણે વર્ષા પાસેથી મોબાઈલ લઈ લીધો અને બજાર જતાં રહ્યા. જ્યારે તેની માતા માર્કેટથી ઘરે પરત ફરી, ત્યારે વર્ષા લટકી ગઈ હતી.


 

(6:42 PM IST)