<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th January 2025

એમ.એસ.યુનિ.ના બાયોકેમ ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગ પર ચડી ગયેલા અજાણ્યા શખ્સનો હાઈવૉલ્ટેજ ડ્રામા

નીચે ઉતારવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસને નાકે દમ આવી ગયો:તપાસમાં આ શખ્શ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યુ

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં કાર્યરત સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે, ત્યારે મધરાત્રીએ એક અજાણ્યો શખ્સ યુનિવર્સિટીના બાયોકેમ ડિપાર્ટમેન્ટની બિલ્ડીંગ પર ચડી ગયો હતો. જેને ઉતારવા માટે ફાયર બ્રિગેડ અને પોલીસને નાકેદમ આવી ગયો હતો. અંતે તપાસમાં આ શખ્શ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું સામે આવ્યું છે.

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સુરક્ષા હેતુસર કરોડો રૂપિયા ખર્ચને સિક્યુરિટી અને વિજિલન્સ બેસાડવામાં આવી છે. જોકે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન હોય તેમ લાગી રહ્યું છે.

 

અગાઉ પણ એમએસ યુનિવર્સિટીમાં સિક્યુરિટીના નાક નીચેથી પુષ્પા ટોળકી ચંદનના વૃક્ષોની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી, ત્યારે પણ સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા હતા. એવામાં ફરી એક વખત ભર નિંદ્રા માણી રહેલી સિક્યુરિટીના કારણે તંત્રને ભારે જહેમત ઉઠાવવી પડી હોવાનો બનાવ મધરાત્રીએ બન્યો હતો

એમ.એસ.યુનિવર્સિટીના બાયો કેમ ડિપાર્ટમેન્ટમાં મધરાત્રીએ બિલ્ડીંગ પર એક અજાણ્યો ઈસમ ચડી ગયો હતો. આ અંગેની જાણ થતા જ પ્રથમ તો સિક્યુરિટીના જવાનોએ આ ઈસમને નીચે ઉતારવા ખૂબ જ પ્રયાસ કર્યો હતો. જો કે અંતે તે નહીં ઉતરતા ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી.

આ સાથે બનાવની જાણ થતાં સયાજીગંજ પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી. અનેક પ્રયાસો છતાં આ ઈસમ નહીં ઉતરતા અંતે ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. બીજી તરફ આ ઈસમ સામે થતો હતો અને હાજર સૌ કોઈ ઉપરથી પથ્થર પણ ફેંક્યા હોવાનું જાણવા મળ્યું હતું. છેવટે માંડ માંડ આ ઈસમને નીચે ઉતારી સયાજીગંજ પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તપાસમાં આ ઈસમ માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવતા તેને છોડી મૂકવામાં આવ્યો હતો.

(8:59 PM IST)