News of Monday, 6th January 2025
સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે તા.૧૨મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
૧૩ દેશના ૩૪ અને ભારતના ૩૧ મળી કુલ ૬૫ પતંગબાજોના નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતે અવનવા કરતબો જોવા મળશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં એકતા નગરના આંગણે તા.૧૨ જાન્યુઆરી, રવિવારના રોજ “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫” યોજાનાર છે. નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાશે. જેના આયોજન અને અમલવારી સંદર્ભે જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીએ વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓને સોંપાયેલી કામગીરી યોગ્ય રીતે થાય, વિદેશમાંથી આવતા પતંગબાજોની સુરક્ષા સાથે પ્રોટોકોલ જળવાય રહે તેની કાળજી રાખવા અને પતંગોત્સવ ખરેખર મહોત્સવ બની રહે તે જોવા સૌને પોત પોતાની ફરજ અદા કરવા જણાવ્યું હતું.
આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ અને જિલ્લાના નાગરિકોને લાભ લેવાની સોનેરી તક મળી રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આ વર્ષે ૧૩ દેશના ૩૪ અને ગુજરાત સહિત ભારતના ૩૧ મળી કુલ ૬૫ પતંગબાજો એકતાનગરના આકાશમાં રંગબેરંગી પતંગનું આકાશી સુંદર દ્રશ્ય ખડુ કરશે. જે દ્રશ્ય અદભૂત અને અવિસ્મરણીય બની રહેશે.
(11:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
