<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

મહારાષ્‍ટ્ર જઇને વડોદરા પોલીસે વેશ પલ્‍ટો કરીને ૪૪ વર્ષથી ફરાર આરોપીઓને ઝડપી લીધા

૧૯૮૧નાં ધાડનાં ગુન્‍હામાં મગન ઉર્ફે મંગુ બારકીયા વસાવે અને જાલમસિંહ ઉર્ફે જેલમાં સેલા વસાવાની ધરપકડ

વડોદરા, તા.૭: વડોદરા નજીક આલમગીર ગામ પાસે નેશનલ હાઇવે પર તારીખ ૨૬ એપ્રિલ ૧૯૮૧ ના રોજ પાંડે હોટલ તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપ પર પથ્‍થરમારો કરી રૂપિયા ૧૨,૯૫૨ ની લૂંટ ચડ્ડી બનીયાનધારી ટોળકીએ કરી હતી. ધાડપાડુઓએ કેબિનના કાચ તોડી પાડી માર્કંડેય રઘુનાથ પાંડે નામના હોટલ માલિકને માર મારી ઈજા પહોંચાડી હતી.

જે અંગેની ફરિયાદ વરણામા પોલીસ સ્‍ટેશનમાં નોંધાઈ હતી. પોલીસે આ ગુનામાં ૯ ધાડપાડુની અગાઉ ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ત્‍યારબાદ ૧૯૮૪ માં વધુ એક ધાડપાડુને ઝડપી પાડી પુરવણી ચાર્જશીટ કોર્ટમાં મૂકી હતી જ્‍યારે અન્‍ય છ ધાડપાડુઓ ફરાર હતા. તેઓ નહીં ઝડપાતા કોર્ટે સીઆરપીસી કલમ ૮૨ મુજબ ફરારી જાહેરનામું બહાર પણ પાડ્‍યું હતું.

વરણામા પોલીસ મથકના પીઆઇ એસ.જે.વાઘેલાએ ફરાર આરોપીઓને શોધી કાઢવાની કવાયત હાથ ધરી હતી. તેમાં ઉપરોક્‍ત ગુનાના આરોપીઓ પણ જિલ્લા પોલીસે વેશ પલટો કરી બે ધાડપાડુઓને મહારાષ્‍ટ્રથી ઝડપી પાડયા હતા. વર્ષ ૧૯૮૧ માં થયેલી ધાડના ગુનામાં ફરાર આરોપીઓ મહારાષ્‍ટ્રના નંદુરબાર જિલ્લાના કોટલીખુર્દ ગામે રહે છે તેવી માહિતીના આધારે વરણામા પોલીસ સ્‍ટેશનની એક ટીમ કોટલિખુર્દ ગામે પહોંચી ગઈ હતી અને તે સ્‍થાનિક લોકોના રીતિ રિવાજ મુજબનો પહેરવેશ ધારણ કરી વેશ પલટો કરી બે દિવસ સુધી ગામની સીમમાં તેમજ ખેતરમાં વોચ રાખી તપાસ હાથ ધરી હતી. જેમાં ફરાર ધાડપાડુઓ પૈકી સપ્‍ટેમ્‍બર ૨૦૧૪માં અંબુ બાવલીયા ગાવીત, માર્ચ ૨૦૨૩ માં કરણસિંહ માકડીયા વસાવા તેમજ સપ્‍ટેમ્‍બર ૨૦૨૨ તુકારામ સૂકા કોકણીનું મોત નીપજ્‍યું હોવાનું સામે આવ્‍યું હતું.

વરણામા પોલીસની ટીમે સ્‍થાનિક ઉપનગર પોલીસ મથકની  મદદ લઈને મળતક ત્રણે ધાડપાડુઓના મરણ દાખલા મેળવ્‍યા હતા અને પછી પણ વેશ પલટામાં તપાસ ચાલુ રાખીને અન્‍ય બે ફરાર ધાડપાડુઓ મગન ઉર્ફે મંગુ બારકીયા વસાવે અને જાલમસિંહ ઉર્ફે જેલમાં સેલા વસાવાને ઝડપી પાડ્‍યા હતા. લૂંટ કર્યા બાદ યુવાન વયના ધાડપાડુઓ વયોવળધ્‍ધ થતાં ઝડપી પાડ્‍યા બાદ તેઓને વરણામા પોલીસ મથકે લાવવામાં આવ્‍યા હતા. ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૮૧ થી ૧૯૮૪ દરમિયાન ગેંગ બનાવીને આ ધાડપાડુઓ હાઈવે પરના પેટ્રોલ પંપ તેમજ હોટલોને નિશાન બનાવી પથ્‍થર મારો કરતા હતા અને લૂંટફાટ કરી આતંક મચાવ્‍યો હતો

(1:27 PM IST)