<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

ધો. ૧૦માં સ્‍ટાન્‍ડર્ડ ગણીત માત્ર ૬૧ હજારને બેઝીક ગણીત રાખનાર

છાત્રોની સંખ્‍યા ૭.૮૧ લાખ

રાજકોટ, તા. ૭: સીબીએસઈના પગલે ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ છેલ્લા ચાર વર્ષથી બેઝિક ગણિત અને સ્‍ટાન્‍ડર્ડ ગણિત એમ બે ગણિતના પેપરોનો વિકલ્‍પ ધો.૧૦ના વિદ્યાર્થીઓને આપવામા આવે છે ત્‍યારે ૮૦ થી ૯૦ ટકા વિદ્યાર્થીઓ બેઝિક ગણિત જ પસંદ કરીને તેમાં પરીક્ષા આપતા હોય છે. આ વર્ષે બેઝિક ગણિત રાખનારા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં વધારો થતા ૭.૮૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્‍યારે સ્‍ટાન્‍ડર્ડ ગણિતમાં માત્ર ૬૧ હજાર વિદ્યાર્થીઓ જ નોંધાયા છે.

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.૧૦માં ગણિત વિષયમાં સ્‍ટાન્‍ડર્ડ અને બેઝિક એમ બે પેપરોની પરીક્ષા લેવામા આવે છે વિદ્યાર્થીઓને પરીક્ષા ફોર્મમાં બંને પેપરોનો વિકલ્‍પ આપવામા આવે છે. મોટા ભાગે વિદ્યાર્થીઓ બેઝિક ગણિતનો વિકલ્‍પ પસંદ કરતા હોય છે. ગત વર્ષે ધો.૧૦માં ૬,૩૫,૮૬૬ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યુ હતું અને ૭૦,૦૯૭ વિદ્યાર્થીએ સ્‍ટાન્‍ડર્ડ ગણિત પસંદ કર્યુ હતું. આ વર્ષે બેઝિક ગણિત પસંદ કરનારા વિદ્યાર્થીઓની સંખ્‍યામાં ધરખમ વધારો થતા ૭,૮૧,૭૪૧ વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યુ છે. જ્‍યારે ૬૧,૨૬૪ વિદ્યાર્થીઓએ સ્‍ટાન્‍ડર્ડ ગણિતનો વિકલ્‍પ પસંદ કર્યો છે.

ગત વર્ષે બેઝિક અને સ્‍ટાન્‍ડર્ડ એમ બંને ગણિતના પેપરો ખૂબ જ સરળ રહેતા વિદ્યાર્થીઓની પાસિંગ ટકાવારી વધવા સાથે રેકોર્ડબ્રેક વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ થયા હતા. જો કે તેમ છતાં હજુ પણ વિદ્યાર્થીઓમાં ગણિતનો ગભરાટ યથાવત છે. કારણકે આ વર્ષે બેઝિક ગણિત રાખનારા ૧.૪૫ લાખ જેટલા વિદ્યાર્થીઓ વધ્‍યા છે.

(2:32 PM IST)