<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

તેરે બાપકા રોડ હે, સાઈડ ક્યુ નહી દેતી, ગાડી નહી આતી હે તો ક્યુ લેકે રોડ પે નીકલી હે, : અમદાવાદમાં પોલીસની શી ટીમને થયો કડવો અનુભવ : ઉશ્કેરાઈને પોલીસકર્મી વર્ષાબેન અને અન્ય સ્ટાફ સાથે બોલાચાલી કરીને ઈકો ગાડી પોલીસકર્મીની ગાડીની આગળ ઉભી રાખી દીધી

આનંદનગર પોલીસ સ્ટેશનમાં અભીષેક યાદવ, અર્જુન યાદવ, સંદીપ સેન અને સુનિલ યાદવ સામે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી

અમદાવાદ તા.૭ :  શહેરનાં રોડ રસ્તાઓ પર વાહનચાલકો વચ્ચે દરરોજ સામાન્ય બોલાચાલીના કિસ્સાઓ સામે આવે છે, પરંતુ હવે તો પોલીસકર્મી પણ આ પ્રકારનાં બનાવમાં બાકાત નથી રહ્યા. અમદાવાદમાં પેટ્રોલીંગ માટે નીકળેલી મહિલા પોલીસની શી ટીમને આવો જ એક કડવો અનુભવ થયો છે. જે મામલે 4 યુવકો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે.

પેટ્રોલીંગમાં નીકળી હતી શી ટીમ

અમદાવાદનાં આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શી ટીમનાં લોકરક્ષક વર્ષાબેન સોમાભાઈ, વનીતાબેન હમીરભાઈ, વૈશાલીબેન ચકુરભાઈ સાથે બપોરનાં એક વાગે આસપાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જેમાં વિસ્તારમાં લાગેલા નિર્ભયા પ્રોજેક્ટનાં કેમેરા, મહિલા ઈમરજન્સી કોલ બોક્ષ ચાલુ છે કે કેમ તે અંગે તપાસ કરવા નીકળ્યા હતા, જે દરમિયાન તેઓ સાંજના 4 વાગે આસપાસ તેઓ મકરબા રેલવે ફાટક પાસે પહોંચતા જાહેર રોડ પર પાછળથી એક ઈકો ગાડી આવી હતી. જે ઈકો ગાડીનો ચાલક પાછળથી અવારનવાર હોર્ન મારતો હોય શી ટીમની ગાડીની સાઈડ કાપી તેઓની ગાડીની બાજુમાં ગાડી લાવી હતી.

બોલાચાલી કરી પોલીસની ગાડી રોકી

મહિલા પોલીસકર્મીએ ગાડીનો કાચ ખોલતા ગાડીમાં આગળ બેઠેલા યુવકે તેરે બાપકા રોડ હે, સાઈડ ક્યુ નહી દેતી, ગાડી નહી આતી હે તો ક્યુ લેકે રોડ પે નીકલી હે, તેવુ જણાવ્યું હતું. જે સમયે તેની સાથે ગાડીમાં બેઠેલા અન્ય બે ઈસમોએ પણ ઉશ્કેરાઈને પોલીસકર્મી વર્ષાબેન અને અન્ય સ્ટાફ સાથે બોલાચાલી કરીને ઈકો ગાડી પોલીસકર્મીની ગાડીની આગળ ઉભી રાખી હતી.

ચારેય સામે આનંદનગરમાં ગુનો નોંધાયો

જે બાદ ઈકો કારમાં સવાર ચારેય યુવકોએ ગાડીમાંથી ઉતરી બોલાચાલી કરી હતી, જેથી મહિલા પોલીસની શી ટીમે પોલીસ સ્ટેશનમાં ફોન કરી અન્ય પોલીસને બોલાવી હતી. જે બાદ પોલીસ આવતા ચારેય જણાને પકડી પોલીસ મથકે લાવી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આરોપીઓની વધુ તપાસ હાથ ધરાઈ

આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અભીષેક યાદવ, અર્જુન યાદવ, સંદીપ સેન અને સુનિલ યાદવ સામે પોલીસની ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી છે. આરોપીઓમાં અભીષેક, અર્જુન અને સંદીપ કૃષ્ણધામ ઔડાનાં મકાન વેજલપુર ખાતે રહે છે જ્યારે સુનિલ યાદવ શ્રીનંદનગર ખાતે રહે છે.

(3:00 PM IST)