<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત "વન્યજીવન-ગુજરાતના વન્ય પ્રાણીઓ" પુસ્તકનું વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે વિમોચન

ઘાસીયા મેદાનોથી લઈને દરિયાઈ જંગલ એવા ચેરના વનો રાજ્યની વિશિષ્ટતા પ્રદર્શિત કરે છે

ગાંધીનગર : ગુજરાતનું વન્યજીવન ખૂબ વૈવિધ્યસભર છે. રાજ્ય પાસે વિશાળ અને લાંબો દરિયાકાંઠો, વિશિષ્ટ પ્રકારનું બેજોડ ક્ષારીય રણ અને દેશના ત્રણ અખાત પૈકી ખંભાત અને કચ્છના બે અખાતો ગુજરાત પાસે છે. ઘાસીયા મેદાનોથી લઈને દરિયાઈ જંગલ એવા ચેરના વનો રાજ્યની વિશિષ્ટતા પ્રદર્શિત કરે છે. આ વનો અને દરિયાઈ વિસ્તારમાં વિહાર કરતાં વન્ય અને દરિયાઇ જીવો ગુજરાતના આભૂષણ સમાન છે. ગીરના સિંહ તો જાણે ગુજરાતની ઓળખ બની ગયા છે. 

   ગુજરાતના વન્ય પ્રાણીઓની માહિતીને સંકલિત કરીને પ્રકાશિત કરાયેલ "વન્યજીવન- ગુજરાતના વન્ય પ્રાણીઓ" પુસ્તકનું વિમોચન પ્રવાસન વિભાગની ચિંતન શિબિરમાં રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરાના  હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર પણ જોડાયા હતા

  ગુજરાતના વૈવિધ્યસભર વન્ય પ્રાણીઓની અદભુત તસવીરો અને વૈજ્ઞાનિક માહિતીને સંકલિત કરીને માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા વન્યજીવન ગુજરાતના વન્ય પ્રાણીઓ પુસ્તક પ્રકાશિત કરાયું છે. ગુજરાતી ભાષામાં આવા સંશોધિત પુસ્તકોની સંખ્યા ખૂબ ઓછી છે ત્યારે માહિતી નિયામકની કચેરી દ્વારા પ્રકાશિત આ પુસ્તક વાંચકોમાં પ્રિય અને લોકભોગ્ય બની રહે તેવું છે. 

  રાજ્યના વન વિભાગના સંકલનમાં રહીને તૈયાર કરાયેલ આ પુસ્તકમાં એશિયાટિક સિંહો, દિપડો, ઘુડખર, જરખ, રીંછ કાળિયાર, જેવા વન્ય પ્રાણીઓથી લઈને દરિયાઈ વિસ્તારમાં વિહરતી ગુજરાતનું ગૌરવ એવી ઈન્ડો પેસિફિક હમ્પબેક ડોલ્ફિન, વ્હેલ શાર્ક, બ્લુ વ્હેલ વગેરે દરિયાઈ પ્રાણીઓની માહિતી પ્રસ્તુત કરવામાં આવી છે. 136 પાનાના આ પુસ્તકમાં ગુજરાતના વન્ય જીવન વિશેની સંપૂર્ણ માહિતીને સમાવવાનો પ્રયાસ કરાયો છે.


 

(7:54 PM IST)