<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

અમદાવાદ સીઆઇડી ક્રાઇમની ટીમે હિમાચલ પ્રદેશથી દંપતિને ઝડપી લીધા : લાખોનો ચુનો લગાવ્‍યો'તો

કેનેડામા વિઝાના નામે રૂષિકેશ પુરોહિત અને સુનીતાએ લોકોને છેતર્યાતા

અમદાવાદઃ CID ક્રાઇમમાં ફરિયાદ થતા દંપતી ઓફિસને તાળા મારી છ મહિનાથી ફરાર હતું. પોલીસે બાતમીના આધારે હિમાચલપ્રદેશથી બંનેને ઝડપી લીધા હતા. મૂળ પંજાબનો ઋષિકેશ પુરોહિત અને પત્‍ની સુજાતાએ ન્‍યૂ પાથ કરિયર સોલ્‍યુશન પ્રા. લી. નામથી વિઝા કન્‍સલટન્‍સી શરૂ કરી હતી, જેમાં કેનેડાના પર્મેનન્‍ટ રેસિડન્‍સી વિઝા અપાવવાનું કામ શરૂ કર્યું હતું, જેમાં આ લોકો એક ગ્રાહક પાસેથી રુપિયા ૪૦ લાખ લેતા હતા.

ન્‍યૂ રાણીપમાં રહેતા હાર્દિક પટેલ અને તેના ૩ મિત્ર આ બંનેને વિઝા માટે રૂપિયા ૧.૬૦ કરોડ આપ્‍યા હતા. જોકે પૈસા મળી જતા દંપતિ ઓફિસે તાળાં મારી ભાગી ગયું હતું. આ અંગે હાર્દિક પટેલે CID ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

તપાસ કરનાર PI તડવીએ જણાવ્‍યું કે, દંપતી નામ બદલીને હિમાચલ પ્રદેશના મણિકર્ણિમ તાલુકાના ભુન્‍તર જિલ્લાના કોલ ગામમાં રહેતું હતું. બંને એક વિઝા કન્‍સલ્‍ટન્‍સીમાં નોકરી કરતાં હતાં ત્‍યારે પ્રેમ સંબંધ બંધાતા લગ્ન કર્યા હતા અને ત્‍યાર બાદ નોકરી છોડી કન્‍સલ્‍ટન્‍સીની ઓફિસ શરૂ કરી હતી.

કોઈ વ્‍યક્‍તિની ફાઇલ મૂકે ત્‍યારે દંપતિ તેની પાસે ટોકન પેટે ૫ લાખ લેતા અને પ્રોસેસ શરૂ કરી હોવાનું કહી વિઝા એપ્‍લિકેશન કરતા. ત્‍યાર બાદ ફાઇલ કેનેડા ઇમિગ્રેશનમાં એલિજિબિલિટી ચેક કરવા મોકલી છે તેવું કહી ૬ મહિનાનો સમય લેતા અને તે સમયમાં ટુકડે ટુકડે પૈસા લેતા હતા.

ઋષિકેશ અને સુજાતા વિરુદ્ધ બોડકદેવ, વડોદરાના બાપોદ પોલીસ સ્‍ટેશન, ક્રાઇમ બ્રાંચ, રાજપીપળા પોલીસ સ્‍ટેશનમાં આ જ પ્રકારે વિઝાના બહાને છેતરપિંડીની ફરિયાદ થઈ ચૂકી છે, જેમાં ભોગ બનનાર લોકો ૧૦થી ૧૨ જેટલા છે. અન્‍ય કોઈએ આ દંપતીને વિઝા માટે પૈસા આપ્‍યા હોય તો સીઆઈડી ક્રાઈમનો સંપર્ક કરવા પોલીસે જણાવ્‍યું હતું.

(2:38 PM IST)