<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ગુજરાતમાં HMPVનો બીજો કેસ નોંધાયો : હિંમતનગરમાં 8 વર્ષનું બાળક પોઝિટિવ

અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો:આરોગ્ય વિભાગ દોડતું થયું

 અમદાવાદ : દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઈરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઈરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઈરસના અમુક કેસો ભારતમાં નોંધાયાના અહેવાલ છે. જેમાં અમદાવાદ શહેરમાં HMPVનો શંકાસ્પદ કેસ નોંધાતા રાજ્ય સરકારે વાઈરસને લઈને એડવાઇઝરી જાહેર કરી હતી. ત્યારે ગુજરાતમાં અમદાવાદ બાદ હિંમતનગરના પ્રાંતિજમાં HMPVનો બીજો કેસ સામે આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે

મળતી માહિતી મુજબ, રાજ્યમાં અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના આઠ વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને હાલ ICUમાં રાખવામાં આવ્યો છે. બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે. જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. 

ચીનના ખતરનાક વાઈરસ HMVPનો ગુજરાતમાં પ્રથમ કેસ અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં નોંધાયો હતો. જેમાં શંકાસ્પદ જણાતા 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ જણાયો હતો. અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં આવેલી ઓરેન્જ હોસ્પિટલમાં બાળકને 24 ડિસેમ્બર 2024ના દાખલ કરાયા બાદ 26 ડિસેમ્બરે રિપોર્ટ આવ્યો હતો. પરંતુ આ મામલે હોસ્પિટલે તંત્રને અવગત ન કરતા AMC આરોગ્ય અધિકારીએ નોટિસ પાઠવી હોસ્પિટલ સત્તાધીશો પાસેથી સમગ્ર મામલે ખુલાસો માંગ્યો હતો.

(7:54 PM IST)