તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th January 2025
પાદરામાં ઊંઘમાં ચાલતો-ચાલતો યુવક ઘરની બહાર નીકળ્યો: કેનાલમાં પડી જતાં ડૂબી જવાથી મોતને ભેટ્યો
કર્ણકૂવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો

વડોદરા : સ્લીપવૉકિંગ અર્થાત ઊંઘમાં ચાલવાની બીમારી, જેને આપણે અત્યાર સુધી મોટાભાગે ફિલ્મોમાં જ જોઈ હશે. જો કે આ બીમારી વાસ્તવિક જીવનમાં પણ જીવલેણ સાબિત થઈ શકે છે. આવો જ એક બનાવ વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવક ઊંઘમાં જ ઘરની નજીકમાં રહેલી કેનાલમાં ખાબક્યો હતો અને ડૂબી જતા મોતને ભેટ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાદરા તાલુકાના તાજપુરા ગામમાં રહેતો પ્રતિક માળી (18) નામનો યુવક બે દિવસ પહેલા ઘરેથી ગુમ થઈ ગયો હતો. આ મામલે પરિવારજનોએ ભારે શોધખોળ હાથ ધરી હતી. જો કે પ્રતિકની ભાળ ના મળતાં તેમણે વડું પોલીસ મથકમાં જાણવા જોગ અરજી આપી હતી.
આ દરમિયાન ગઈકાલે સવારે કર્ણકૂવા ગામ નજીકથી પસાર થતી કેનાલમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની ઓળખ બે દિવસ પહેલા તાજપુરા ગામેથી ગુમ થયેલા પ્રતિક તરીકે થઈ હતી. આ મામલે વડુ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને આગળની તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક પ્રતિક છેલ્લા કેટલાક સમયથી ઊંઘમાં ચાલવાની બીમારીથી પીડાતો હતો. જેની સારવાર પણ ચાલી રહી હતી. બે દિવસ અગાઉ પ્રતિક ઊંઘમાં જ ચાલતો-ચાલતો ઘરની બાજુની કેનાલમાં પડી ગયો હોવાથી ડૂબીને મોતને ભેટ્યો હોવાનુ અનુમાન છે. હાલ તો આ સમગ્ર બનાવે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી મૂકી છે.
સ્લીપ વૉકિંગ નામની બીમારી બ્રેઈન ડિસ ઑર્ડરના કારણે થાય છે. જે સાઈક્રેટિક અને ન્યૂરોલોજિકલ બન્ને હોઈ શકે છે. જેમાં વ્યક્તિ ઊંઘમાં ઉઠીને ચાલવા માંડે છે. આ બીમારી ઉંમરના કોઈ પણ તબક્કે થઈ શકે છે, પરંતુ બાળકોમાં તે સામાન્ય છે. મોટાભાગના કિસ્સાઓમાં પુખ્ત વય સુધી પહોંચતા આ બીમારી ખતમ થઈ જતી હોય છે. જો કે કેટલાક કિસ્સામાં ઉંમર અપવાદ હોય છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
