<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

ગુજરાતમાં રૂ.૬૦૦ કરોડના પતંગ બને છે : પતંગ- દોરાના ભાવમાં ૧૫ ટકા જેટલો વધારો

પતંગની બનાવટ માટે બટર પેપર, ટિસ્યૂ પેપર, લોકલ પેપર ઉપરાંત પોલિસ્ટર પ્લાસ્ટિક પેપરનો તેમજ વાંસનો ઉપયોગ થાય છે.

વડોદરા: ગુજરાતમાં ઉત્તરાયણના પર્વ પર લોકો જાત-જાતની રંગ-બેરંગી પતંગો ઉડાડતા હોય છે, જે મોટાભાગે અમદાવાદ, વડોદરા, ખંભાત અને નડિયાદ જેવા શહેરોમાં અનેક પરિવારજનો સતત ૯ મહિના દરમિયાન રૂ.૬૦૦ કરોડના પતંગ બનાવતા હોય છે. જે તેમની રોજી-રોટી (ગૃહ ઉદ્યોગ) છે. પતંગની બનાવટ માટે બટર પેપર, ટિસ્યૂ પેપર, લોકલ પેપર ઉપરાંત પોલિસ્ટર પ્લાસ્ટિક પેપરનો તેમજ વાંસનો ઉપયોગ થાય છે.

આ વર્ષે વાંસની લાકડી અને કાગળ સહિતના ભાવ વધ્યા છે તેમજ કારીગરોની મજૂરી ખર્ચમાં વધારો થયો છે તેને કારણે ભાવમાં ૧૫ ટકા નો વધારો થયો છે. પતંગ બનાવવા તેમજ દોરો સૂતવા માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાથી આશરે ૧.૫ લાખ કારીગરો ગુજરાતમાં આવ્યા છે.  દેશનો પતંગ બજાર ૯૦ ટકા ગુજરાત છે. જ્યારે ૭ ટકા દેશના અન્ય રાજ્યોમાં અને ૩ ટકા પતંગો વિદેશોમાં વેચાતી હોય છે. આ વર્ષે પતંગ બનનારા જુદા જુદા રાજકીય નેતાઓની લોકપ્રિયતાનો લાભ ઉઠાવી રહ્યા છે, જેમકે પતંગો ઉપર નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, રાહુલ ગાંધી,... ના પતંગો ઉપર ફોટા મૂકી પતંગો બનાવી દુકાનોમાં પ્રદર્શિત કરી રહ્યા છે. આવા પતંગો રૂ.૫ થી લઈને રૂ.૧૦૦૦ સુધીના પતંગો વેચાણમાં મુકાયા છે. દોરામાં ૧૦૦૦ વાર, ૨૫૦૦ વાર ૫૦૦૦ વાર અને ૧૦,૦૦૦ વાર એમાં પણ ૬, ૯ અને ૧૨ તાર વાળી દોરી જેનો ભાવ રૂ.૬૦૦ થી રૂ.૧૫૦૦ છે, જ્યારે

બોબીનમાં આ દોરીના ભાવ રૂ.૨૦૦ થી રૂ.૬૦૦ છે.

આવી દોરી (સૂતવાના) ઘસવાનો ભાવ રૂ.૧૦૦ થી રૂ.૫૦૦ છે.

    ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ-દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાડવા માટે આમંત્રિત કરવા માટે “આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ” નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તા.૧૧થી૧૪  જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫ નું આયોજન અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે સવારે ૯ વાગે કરવામાં આવ્યું છે. તેના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય અતિથિ ઉપસ્થિત રહેશે. તા.૧૨ જાન્યુઆરી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતા નગર) ખાતે અને વડોદરા તેમજ રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૩ જાન્યુઆરી સુરત, શિવરાજપુર, ઘોરડા (કચ્છ) ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજ્યોમાંથી ૫ર (બાવન) જેટલા પતંગબાજો ભાગ લેશે, તે ઉપરાંત ગુજરાતના ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં ઉતરાયણ ઉજવશે.

 

(1:13 AM IST)