<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

છોટે છોટે પેગ : ઉત્તરાયણ પહેલા દારૂની 300 mlની બોટલની માંગ વધી

સામાન્‍ય રીતે દારૂની ૭૫૦ મિલીની બોટલો વેચાતી હોય છે, પરંતુ હવે ૩૦૦ મિલી નાની બોટલોમાં દારૂ વેચવામાં આવી રહયો છે

અમદાવાદ, તા.૯: ગુજરાતમાં કાયદાકીય રીતે દારૂના વેચાણ અને સેવન પર પ્રતિબંધ છે, છતાં વર્ષોથી ગેરકાયદે રીતે બુટલેગરો દ્વારા વિવિધ રીતે રાજ્‍યની સીમામાં મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડતા આવ્‍યા છે. ગુજરાત સરકાર અને પોલીસ વિભાગના અનેક પ્રયત્‍નો છતાં બુટલેગીંગની પ્રવળતિઓ અટકી શકી નથી. બુટલેગરો અલગ અલગ યુક્‍તિઓથી ગુજરાતમાં દારૂ ઘુસાડે છે અને વેચે છે. એવામાં ગુજરાત પોલીસે હાલમાં જ બુટલેગરોની નવી યુક્‍તિઓનો ખુલસો કર્યો છે.બુટલેગરો એક નવી રણનીતિ અપનાવી રહયા છે. સામાન્‍ય રીતે દારૂની ૭૫૦ મિલીની બોટલો વેચાતી હોય છે, પરંતુ હવે ૩૦૦ મિલી નાની બોટલોમાં દારૂ વેચવામાં આવી રહયો છે. એક એહવાલ મુજબ ગત ૫ જાન્‍યુઆરીના રોજ અમદાવાદ શહેર પોલીસે ચેકિંગ દરમિયાન બાપુનગરમાં એક વાહનને અટકાવ્‍યું ત્‍યારે દારૂની નાની બોટલોનો મોટો જથ્‍થો મળી આવ્‍યો હતો. ૪.૯૭ લાખ રૂપિયાની કિંમતની ૩,૧૯૨ નાની દારૂની બોટલો જપ્‍ત કરવા આવી હતી, જો કે બુટલેગરો ભાગી જવામાં સફળ રહયા હતા.એક અખબારી અહેવાલ અનુસાર પોલીસ અધિકારીએ જણાવ્‍યું કે, ચેકિંગથી બચવા બુટલેગરો નાની બોટલ સ્‍મગલ કરવાની નવી યુક્‍તિ અપનાવી રહયા છે. સામાન્‍ય રીતે હરિયાણા અને પંજાબમાં બનેલી ૭૫૦ મિલી બોટલનો મોટો જથ્‍થો રાજસ્‍થાન મારફતે ગુજરાતની બોર્ડરમાં ઘુસાડવામાં આવતો હોય છે. હવે બુટલેગરો ચેકિંગથી બચવા અને મોટા વાહનોની જરૂરિયાત ઘટાડવા માટે ૩૦૦ મિલી બોટલનો વેચી રહ્‍યા છે.અહેવાલ મુજબ છેલ્લા ઘણા સમયથી સ્‍થાનિક પોલીસે ગેરકાયદે રીતે દારૂ પીનારાઓને પકડવા માટે પ્રયાસો વધાર્યા છે, જેથી પીનારા બુટલેગરો પાસે નાની બોટલો માંગી રહ્‍યા છે, જેને છુપાવવી અને લઇ જવી સરળ હોય છે. પોલીસ અધિકારી એ જણાવ્‍યું કે નાની બોટલો ખિસ્‍સામાં અથવા નાના પર્સમાં છુપાવવી સરળ હોય છે. પોલીસ માટે ચેકિંગ દરમિયાન નાની બોટલો શોધવી મુશ્‍કેલ હોય છે.એક અખબારી અહેવાલ મુજબ, ઉત્તરાયણ નજીક આવી રહી છે, ત્‍યારે ગ્રાહકો હવે ૩૦૦ મિલી બોટલ પસંદ કરે છે. પતંગ ઉડાવતી વખતે ખિસ્‍સામાં નાની બોટલ છુપાવીને પી શકાય છે.કોઈપણ જાતનો નશો શરીર-મન અને જીવનને પાયમાલ કરી નાખે છે તે જાણવા છતાં લોકો આવા નશા તરફ વળે છે ત્‍યારે નાગરિકોએ પોતાની જાત પર નિયંત્રણ રાખી આવી નશાખોરીથી બચતા રહેવાની જરૂર છે. આ માટે નશામુક્‍તિ કેન્‍દ્રો છે, તેની મદદ લઈ શકાય છે

(3:23 PM IST)