<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

તમામ DCPને દર મહિને ૪ નાઇટ ડ્યૂટી કરવા આદેશ

અમદાવાદ શહેરની સ્થિતિ સુધારવા નિર્ણય લેવાયો ઃડીસીપી રજા પર હોય ત્યારે વિશેષ શાખાના ડીસીપીને નાઇટ ડ્યૂટી કરવાની રહેશે

અમદાવાદ, તા.૧૦

શહેર પોલીસ કમિશનરે થોડા સમય પહેલા તહેવારો પૂર્વે ઇન્સપેક્ટરો માટે હુકમ કર્યો હતો. જેમાં તકેદારીના ભાગરૃપે પોલીસ ઇન્સપેક્ટરોને વિસ્તાર ન છોડવા માટે સૂચના અપાઇ હતી. જે બાદ શહેરમાં કેટલીક ઘટનાઓ ઘટી હોવાથી રાજ્યના પોલીસ વડાએ કમિશનર કચેરીમાં અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. જેમાં ડીસીપીઓને એક માસમાં ચાર નાઇટ કરવા સૂચના આપવામાં આવી હતી. જેને લઇને શહેર પોલીસ કમિશનરે તાજેતરમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ પાસેથી કડક હાથે કામગીરી લેવાનું શરૃ કર્યું છે. અગાઉ શહેરમાં ફરજ બજાવતા ડીસીપી કક્ષાના અધિકારીઓને એક માસમાં બે ત્રણ નાઇટ ડ્યૂટી ફાળવવામાં આવતી હતી. જોકે તેમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી બદલાવ કરીને અઠવાડિયાના સાત દિવસોમાં બંને સેક્ટરમાં એક એક ડીસીપીને નાઇટ ડ્યૂટી કરવા સૂચના આપી છે. એટલે કે મહિનામાં એક ડીસીપીને ચાર નાઇટ ડ્યૂટી કરવા હુકમ કરાયા બાદ તેનું અમલીકરણ શરૃ થયું છે. જેના કારણે શહેરના બંને સેક્ટરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંકુશમાં આવી હોવાનું મનાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ શહેરમાં ફરજ બજાવતા ડીસીપીને મહિનામાં બે અને ત્રણ નાઇટ ડ્યૂટી ફાળવવામાં આવતી હતી. કેટલાક ડીસીપીઓ મહિનાની બે નાઇટ ડ્યૂટીમાં પણ આળસ દાખવતા હોવાની ચર્ચા હતી.

શહેરમાં જ્યારે કોઇ ઉચ્ચ અધિકારી ફિલ્ડમાં હાજર હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં હાજર સ્ટાફ એલર્ટ મોડ પર રહે છે. આખું શહેર કવર થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે મુજબની વ્યસ્થા ગોઠવાઇ છે. રોજ શહેરના પશ્ચિમમાં એક અને પૂર્વ વિસ્તારમાં એક ડીસીપીને નાઇટ રાઉન્ડ ડ્યૂટી સોંપવામાં આવી છે.

કંટ્રોલ અને હેડક્વાર્ટર ડીસીપીને સમગ્ર શહેરમાં બે નાઇટ કરવાની હોય છે. તેવામાં કોઇ ડીસીપી રજા પર હોય ત્યારે વિશેષ શાખાના ડીસીપીને નાઇટ ડ્યૂટી કરવાની રહેશે. જ્યારે અનિવાર્ય સંજોગોમાં એક જ ડીસીપી નાઇટમાં હોય તો તેમણે શહેરમાં નાઇટ ડ્યૂટી કરવાની રહેશે. જ્યારે કોઇ પણ ડીસીપી ન હોય ત્યારે કંટ્રોલ અને હેડક્વાર્ટર ડીસીપીએ ફરજ નિભાવવાની રહેશે.

(9:21 PM IST)