તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
ઉત્તરાયણ બાદ ગુજરાત મંત્રીમંડળમાં ફેરફારની અટકળો
કેટલાક મંત્રીઓની નબળી કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે : ત્રણેક મંત્રીઓ પડતા મૂકાય અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૈકી ૨ અને ભાજપના અન્ય ચારેક ધારાસભ્યોના ઉમેરા સાથે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવે તેવી અટકળો : વર્તમાન રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી ઉપરાંત ૮ કેબિનેટ, ૮ રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિત કુલ ૧૭ મંત્રીઓ કાર્યરત છે : કેટલાક મંત્રી સામે અસંતોષ હોવાનો પણ સરકારને ફીડબેક

અમદાવાદ, તા.૧૩: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની સાથોસાથ જિલ્લા સંગઠનની વરણીનું કામ ટૂંકમાં પૂરું થયા બાદ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ફરી જોરશોરથી ચર્ચાની એરણ મૂકાઈ છે. એમ ચર્ચાઈ રહયું છે કે, ઉત્તરાયણ બાદ મંત્રીમંડળમાં ફેરફાર થવાની સંભાવના છે. એના કારણમાં એવી દલીલ થઈ રહી છે કે, વર્ષ ૨૦૨૨માં રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૧૫૬ બેઠકો ઉપર જીત મળ્યા બાદ કોંગ્રેસના ૫ ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં પેટા ચૂંટણી જીત્યા પછી ભાજપના કુલ ધારાસભ્યોની સંખ્યા ૧૬૧ થઈ હતી ત્યારબાદ તાજેતરમાં જ વાવની કોંગ્રેસની પરંપરાગત બેઠક પર ભાજપને જીત મળ્યા બાદ કુલ સભ્ય-સંખ્યા ૧૬૨ થઈ ગઈ છે. આ દરમિયાન વર્તમાન સરકારના કેટલાક મંત્રીઓની નબળી કામગીરી પણ ચર્ચાનો વિષય બની છે. આવી પરિસ્થિતિમાં ત્રણેક મંત્રીઓ પડતા મૂકાય અને કોંગ્રેસમાં ભાજપમાં જોડાયેલા પૈકી ૨ અને ભાજપના અન્ય ચારેક ધારાસભ્યોના ઉમેરા સાથે નવું મંત્રીમંડળ અસ્તિત્વમાં આવે તેવી અટકળો ચાલી રહી છે.
રાજ્યમાં હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત ૮ કેબિનેટ કક્ષાના મંત્રીઓ અને ૮ રાજ્ય કક્ષાના મંત્રીઓ મળીને મંત્રીમંડળનું કુલ કદ ૧૭નું છે પરંતુ ગુજરાત વિધાનસભાના કુલ ૧૮૨ સભ્યોના સંખ્યાબળના ૧૫ ટકા લેખે ગુજરાતમાં વધુમાં વધુ કુલ ૨૭ મંત્રીઓનું મંત્રીમંડળ બનાવી શકાય તેમ છે. અર્થાત હાલ ૧૭ સભ્યોના મંત્રીમંડળમાં વધુ ૧૦ મંત્રીઓનો ઉમેરો કરી શકાય તેમ છે. આ તો, નિયમ મુજબની વાત છે પરંતુ ગુજરાતની હાલની રાજકીય પરિસ્થિતિ મુજબ, ગુજરાતમાં ભાજપને પડકારી શકે તેવો વિપક્ષ નથી અને ભાજપના ધારાસભ્યોની ૧૬૨ની સંખ્યા જોતા કોઈ ૨-૫ ધારાસભ્યો સરકાર કે પક્ષથી નારાજ થાય તો પણ સરકાર કે પક્ષને કોઈ મોટો ફેર પડે તેમ નથી. તેમ નવગુજરાત સમય જણાવે છે.
આમ છતાં અર્જુન મોઢવાડિયા, સી.જે ચાવડા જેવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા સભ્યોને સરકારમાં મંત્રી થવાની ઉતાવળ હોય અને તેઓ યથા-યોગ્ય પ્રમાણે દબાણ લાવતા હોય તેવી પણ ચર્ચા તો છે જ. દરમિયાનમાં વર્તમાન સરકારના પણ કેટલાક મંત્રીઓની નબળી કામગીરી કે તંત્ર ઉપરની પકડના અભાવે સરકારની ફજેતી થઈ રહી હોવા જેવી ફરિયાદો ઉપર સુધી પહોંચી છે... તો, કેટલાક સામે એવી પણ ફરિયાદો છે કે, આ એવા મંત્રીઓ છે કે, તેમને તેમના વિભાગના ઉચ્ચાધિકારીઓ કે કેટલાક અધિકારી સાથે ફાવટ આવતી નથી. જેના કારણે પણ આવા મંત્રીઓ હસ્તકના મહત્વના વિભાગો સામે જનતામાં અસંતોષની લાગણીનો ફીડબેક સરકારમાં ઉચ્ચકક્ષાએ ધ્યાને આવ્યું હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
વર્તમાન રાજ્ય સરકારમાં મુખ્યમંત્રી સહિત કુલ ૧૭ સભ્યો છે. જેમાં કેબિનેટ કક્ષાના ૮ મંત્રીમાં (૧) કળષિ મંત્રી રાઘવજી પટેલ (૨) ઉધોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને (૩) પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા જેવા મંત્રીઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ ફરી ભાજપમાંથી જીતીને મંત્રી થયેલા છે. હવે જો, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નવા ૫ સભ્યોમાંથી (૧) અર્જુન મોઢવાડિયા અને (૨) સી.જે.ચાવડાને મંત્રીપદુ મળે તો આ સંખ્યા વધીને ૫ થઈ શકે છે. તેની સામે ભાજપના ધારાસભ્યોમાં જો ચળભળ થાય તો, તેને ઠારવા માટે પણ હાલના મંત્રીમંડળમાંથી કેટલાકની કામગીરી નબળી હોવાનું કહી તેમને પડતાં મૂકાય અને તેમના સ્થાને મૂળ ભાજપમાંથી વધુ ૩-૪ સભ્યોને મંત્રી પદ આપી શકાય તેવો ગણગણાટ પણ સરકારમાં અંદરખાને ચાલી રહયું છે.
આમ તો, છાશવારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં થાય તેની વ્યાપક દલીલો સાથેની શકયતાઓ વ્યક્ત થતી રહે છે પરંતુ ગુજરાત ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રીય ગળહ મંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રીની સામૂહિક સહમતિ સિવાય આવું કાંઈ શકય મનાતું નથી. આમછતાં આ વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ૨ સભ્યોને મંત્રી બનાવવાની ચર્ચાને પગલે ઉત્તરાયણ બાદ આવા ફેરફારોની અટકળો દમદાર રીતે ચાલી રહી છે. જોકે આવનારો સમય જ કહેશે કે કોણ ફાવે છે અને કોણ જાય છે.(૨૩.૨)
(9:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
