તા. ૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૧ રવિવાર
News of Monday, 13th January 2025
બેટમાં ત્રીજે દિ' દબાણ હટાવ કામગીરીઃ ૧૩.૧ર કરોડની જગ્યા ખુલ્લી કરાઇ
હર્ષ સંઘવીએ એસ. પી. નિતેશ પાંડે, અમોલ આવટે અને ટીમને અભિનંદન પાઠવ્યાઃ ૧૭ દિવસમાં રર કરોડના દબાણ હટાવાયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૩ :.. ભારતના લશ્કરમાંથી લેફટેનન્ટ કર્નલમાંથી આઇ. એ. એસ. બનીને દ્વારકા પ્રાંત અધિકારી તરીકે મુકાયેલા અમોલ આવટે દ્વારા તેમની આગેવાની તથા પોલીસ તથા રેવન્યુ અને પાલિકા કર્મીની મદદથી માત્ર ૧૭ દિવસમાં રર કરોડના દબાણો હટાવીને ૩૩૯૦૦ ચો. મી. ની કિંમતી જમીનો ખુલી કરવાનો દ્વારકા જિલ્લામાં રેકોર્ડ સર્જયો છે.
ઉજજવળ લશ્કરી અનુભવ સાથે આઇ. એ. એસ. થઇને ટ્રેનીંગ સમયમાં દ્વારકા પ્રાંત તરીકે મુકાયેલ અમોલ આવટે દ્વારા જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન તથા પોલીસ રેવન્યુ તંત્ર સાથે રહીને ર૭-૧ર-ર૪ થી દ્વારકામાં જમીન દબાણો દૂર કરવાના શરૂ કર્યા હતાં.
બેટ- દ્વારકામાં જિલ્લા વહીવટી તંત્ર રેવન્યુ તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલા ડીમોલેશનને રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવીને દ્વારકા-બેટ ની જમીન દેશના કરોડો લોકોની આસ્થાની ભૂમિ હોય આપણી આસ્થા - સંસ્કૃતિની રક્ષા કરવી ફરજ ગણાવીને કૃષ્ણભૂમિ પર કયાંય ગેરકાયદે દબાણો નહી કરવા દેવાય તેમ જણાવેલ છે.
દ્વારકા જિલ્લાના બેટ-દ્વારકામાં મેગા ડીમોલેશન રાઉન્ડ બીજો શરૂ થતાં તેના પડઘા સમગ્ર દેશમાં પડયા હતા તથા છેક દિલ્હીની પત્રકારો રાષ્ટ્રીય ચેનલો આનું કવરેજ લેવા દોડી આવ્યા છે. ત્યારે આ અંગેનો ઉદેશ્ય જિલ્લા પોલીસ વડા નીતેશ પાંડે એ જણાવ્યો હતો.
તેમણે જણાવેલ કે દરિયાઇ સુરક્ષા તથા આંતરિક સુરક્ષા માટે આ મહત્વનો વિસ્તાર ભારતના દુશ્મન પાકિસ્તાનથી માત્ર ૮૦ નોટીકલ માઇલ જ દૂર છે. જેથી અહીં દબાણો હોય ગત ઓકટોબર ર૦રર માં મેગા ડીમોલેશન કરીને કરોડોની કિંમતી જમીનો ખાલી કરેલી તે પછી હજુ દબાણો બાકી હોય ફરીથી મેગા ડ્રાઇવ શરૂ થઇ છે.
અગાઉ ઇરાનથી ઓખા ઘુસતા લોકો પકડાયેલા
બેટ દ્વારકા ડ્રગ્સ તથા દેશ વિરોધી પ્રવૃતિઓ માટે પણ જાણીતું હોય અગાઉ છેક ઇરાનથી સીધા ઓખા -બેટ પહોંચવા ત્રણ ઇરાની તથા એક ભારતીય તમીલ વ્યકિત બોટ સાથે આવ્યા હતા જેને તુરત પકડી પાડયા હતાં. ભારતમાં ઘુસવાનો પ્રયાસ નિષ્ફળ કરાયો હતો.
દેવભુમિ દ્વારકા જિલ્લાના સંવેદનશીલ ગણાતા તથા ધાર્મિક દ્રષ્ટીએ અતિ મહત્વના ગણાતા બેટ દ્વારકા વિસ્તારમાં દોઢેક વર્ષ પછી ફરી ડીમોલેશનનો નવો રાઉન્ડ તંત્રએ શરૂ કરીને બે દિવસમાં ૧૩.૧૨ કરોડની કિંમતની જમીન ૨૪૪૦૦ મીટર ખુલ્લી કરવામાં આવી છે.
બેટ દ્વારકામાં ચુસ્ત બંદોબસ્ત
બેટ દ્વારકા સંવેદનશીલ વિસ્તાર હોય અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા પોલીસ વડા નીતેશકુમાર પાંડે તથા ડી.વાયએસ.પી. સાગર રાઠોડ પણ હાજર રહીને દ્વારકા એસ.ડી.એમ. અમોલ આવટે તથા મામલતદાર દ્વારકાની ઉપસ્થિતીમાં જિલ્લાભરના એકાદ હજાર પોલીસ તથા અધિકારીઓમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ચાલુ છે.
બાંધકામોથી કંઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પણ ખાસ બંદોબસ્ત સવારથી ડીમોલેશન ચાલુ થાય ત્યારથી સાંજ સુધી તથા રાત્રે પણ રાખવામાં આવ્યો છે. જેમાં દ્વારકા જિલ્લાભરના પોલીસ અને અધિકારીઓ જોડાયા છે. તથા જિલ્લા પોલીસવડા નીતેશકુમાર પાંડે જાતે ઉપસ્થિત રહે છે.
દ્વારકા જિલ્લામાં રાજયપાલ આવતા રોકાયેલા ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી એ.બી. પાંડોર પણ આજે બેટ દ્વારકાના ડિમોલેશન સ્થળની મુલાકાત લઇને જિલ્લા પોલીસવડા તથા પ્રાંત અધિકારી સાથે ચર્ચા કરી સ્થિતિની સમીક્ષા કરશે.
આજે ત્રીજા દિવસે પણ દબાણ હટાવોની કામગીરી ચાલુ રાખવામાં આવી છે. જોકે ૨૫૦ને નોટીસ આપેલી તેમાં હજુ ૧૧૦ દબાણો જ હટયા હોય હજુ બે'ક દિવસ આ કાર્યવાહી ચાલુ રહેવા સંભાવના છે.
વિશાળ જગ્યામાં વંડા કંપાઉન્ડ વોલ કરીને પાકા મકાનો સરકારી ખરાબા તથા ગોૈચરની જમીનમાં વર્ષોથી ઉભા થઇ જવા પાછળ સ્થાનિક તંત્રના અધિકારીઓ તા કર્મચારીઓની મીઠી નજર પણ હોવાનું ચર્ચાઇ રહયું છે.
૨૧ નીર્જન ટાપુ પર પણ
દબાણો થાય છે!!
દ્વારકા જિલ્લામાં કુલ ૨૩ ટાપુઓ આવેલા છે. જેમાંથી ૨૧ નિર્જન એટલે કે માનવ વસ્તી વગરના છે. પણ તેમાં પણ દેશવિરોધી તત્વો દ્વારા અવાર-નવાર દબાણો કરવાના પ્રયાસો થાય છે. જેથી જિલ્લા પોલીસ વહીવટી તંત્ર કોસ્ટગાર્ડ મરીન પોલીસ વિ. દ્વારા ટાપુ વિઝીટ કરીને સફાઇ કરવા પ્રયત્નો શરૂ કરાયા છે
(12:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
