<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ડીસામાં રાજકીય ડખ્ખાનો અંત ! :નગર પાલિકાનાં પ્રમુખ પદે પ્રવિણ માળી જૂથનાં મહિલા સદસ્યની બિનહરીફ નિમણૂંક

અગાઉ ભાજપના જ 22 સભ્યોએ આ વિશ્વાસની દરખાસ્ત લાવી ભાજપના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદથી રાજીનામું અપાવ્યું

ડીસા નગરપાલિકામાં વિવાદ ચાલી રહ્યો હતો એક મહિના અગાઉ ભાજપના જ 22 સભ્યોએ આ વિશ્વાસની દરખાસ્ત લાવી ભાજપના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેને પ્રમુખ પદથી રાજીનામું અપાવ્યું હતું ત્યારે આજરોજ ડીસા નગરપાલિકા ખાતે નવા પ્રમુખની વરણી કરવામાં આવી હતી તેમાં નવા પ્રમુખ તરીકે પ્રવીણ માળી જૂથના નીતાબેન ઠક્કર સર્વાનમતે પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા.

  ડીસા નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરની બિન હરીફ વરણી કરવામાં આવી છે. પાલિકાના પૂર્વ પ્રમુખ સંગીતાબેન દવેના રાજીનામા બાદ આજે પ્રમુખ પદની ચૂંટણી માટે ખાસ બોર્ડ બેઠક યોજાઇ હતી. ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં સભ્યોની આંતરિક ખેંચતાણ વચ્ચે પાલિકાના તત્કાલીન પ્રમુખ સંગીતાબેન દવેને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભાજપ દ્વારા પ્રમુખ પદનો ચાર્જ પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરને સોંપવામાં આવ્યો હતો.

  પાલિકાના પ્રમુખ પદની ચૂંટણી માટે 13 જાન્યુઆરીએ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. પાલિકા પ્રમુખની ચૂંટણી યોજવાની હોય પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ બેઠકમાં માત્ર પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો

 .ડીસાના નાયબ કલેકટર નેહાબેન પંચાલ ના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ભાજપ પક્ષ દ્વારા પ્રમુખ તરીકે નીતાબેન ઠક્કરને મેન્ડેડ આપવામાં આવ્યો હતો. જેથી તેઓનું ઉમેદવારી ફોર્મ રજૂ થતાં સામે પક્ષે કોઈ દાવેદારી થઈ નહોતી. જેથી નાયબ કલેક્ટર એ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે નીતાબેન નિલેશભાઈ ઠક્કરને બિનહરીફ વિજેતા જાહેર કર્યા હતા.

  નીતાબેન ઠક્કર પ્રમુખ બનતા તેઓએ ભાજપ પક્ષના મોવડી મંડળ, જિલ્લા શહેરના પદાધિકારીઓ ભાજપ કાર્યકરો અને પાલિકાના કોર્પોરેટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે નવા વરાયેલા પ્રમુખ નીતાબેન ઠક્કરની શુભેચ્છાઓ આપવા માટે મોટી સંખ્યામાં કાર્યકરો, આગેવાનો તેમજ લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(8:05 PM IST)