<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

વડોદરામાં પિતા પુત્રએ ગાડી પાર્ક કરવાના મામલે યુવકને બરાબરનો ધીબેડી નાખ્યો: ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

બે મહિલા વચ્ચે પડી યુવકને બચાવ્યો : યુવકે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

વડોદરા શહેરમાં વિવિધ પ્રકારના વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થતા હોય છે. તેવામાં એક એપાર્ટમેન્ટમાં પિતા પુત્રએ ગાડી પાર્ક કરવાના મામલે એક યુવકને બરાબરનો ધીબેડી નાખ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. બે મહિલા વચ્ચે પડી યુવકને બચાવ્યો હતો. બનાવને લઇ યુવકે સમા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં વિવિધ બનાવો બનતા હોય છે અને એના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે એક યુવાન પર પિતા પુત્ર તૂટી પડ્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા અને બે મહિલાઓ દ્રશ્યોમાં યુવકને બચાવવા મેદાનમાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સમા સાવલી રોડ પર આવેલ લીલેરીયા એપાર્ટમેન્ટમાં મારામારી થઈ હતી. ગાડી પાર્ક કરવા મામલે પિતા-પુત્રએ સોસાયટીના કમિટી મેમ્બર ને માર માર્યો હતો.

એપાર્ટમેન્ટના સોસાયટી કમિટી મેમ્બર વિરલ મોહિત પર પિતા પુત્રએ હુમલો કર્યો હતો. પુત્ર હર્ષિલ શાહ અને પિતા જીતેશ શાહે માર માર્યો હતો. જેમાં વિરલને માથાના ભાગે થઈ ઈજાઓ પહોંચી હતી. જ્યારે, સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ બનાવમાં બે મહિલા વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. જ્યારે, વિરલ મોહિતે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(8:38 PM IST)