<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

' પોલીસ પ્રજાની મિત્ર' સૂત્રને અમદાવાદ શહેર પોલીસે સાર્થક કર્યું :ભોપાલની મૂક બધિર યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતા ભાવવિભોર દ્રશ્ય સર્જાયા

વટવા જીઆઇડીસી પાસે વિનોબા ભાવે નગર વિસ્તારમાંથી યુવતીની રિક્ષાચાલકે પોલીસને જાણ કરી : ચાર મહિના પહેલા ગુમ થયેલ દીકરી મળી આવી હોવાની જાણ થતા માતા ફોન પર જ રડી પડી

અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર 02, સંયુક્ત પોલીસ કમિશનર જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન 06 રવિ મોહન સૈની દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને "પોલીસ પ્રજાનો મિત્ર છે" એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
  તા. 06.01.2025 નાં રોજ વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિનોબાભાવે નગર વિસ્તારમાં એક યુવતી સૂનમૂન હાલતમાં રિક્ષા ચાલક પરેશભાઈ ઠાકોરને મળી આવતા, તેઓએ હર્ષદસિંહ પરમાર તથા મીનાબેન સોલંકી મારફતે પોલીસ સ્ટેશન લાવતા, તેને  પૂછપરછ કરવામાં આવતા, કાઈ બોલી ચાલી શકતી ના હોય, તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી. દરમિયાન પોલીસને જાણવા મળેલ હતું કે, યુવતી મુક બધિર છે, કોઈ ભાષા સમજતી નથી...
  અમદાવાદ શહેર જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વટવા જીઆઇડીસી પીઆઈ એમ.આર.પરમાર તથા સ્ટાફનાં હે.કો. પ્રતિલભાઈ, પો.કો. કેતુલભાઈ, દીપક દાન તથા She Team ના મહિલા માયાબેન દ્વારા મળી આવેલ યુવતીને સાંત્વના આપી, જમાડી, શાંતિથી સહિષ્ણુતા પૂર્વક વાત કરી, એક કીમિયો કરી, મળી આવેલ યુવતીને એક કોરો કાગળ તથા પેન આપી, પોતાનું નામ અને પરિવારની વિગત લખવા જણાવતા, યુવતી થોડું ગણું ભણેલ હોઈ, કોરા કાગળમાં પેન વડે પોતાનું નામ મોનિકા સુનીલકુમાર રેંકવાર(  રહે. સંજયભાઈ શાહુ ના મકાનમાં, શિવ મંદિર પાસે, દુકાન વાળી ગલી, ટિલા જમાલપુરા ગામ, જિલ્લો ભોપાલ મધ્યપ્રદેશ ) હોવાનું તથા એક મોબાઈલ નંબર લખતા, પોલીસ દ્વારા મોબાઈલ ઉપર સંપર્ક કરતા, યુવતી ની માતા નો નંબર હોવાનું માલૂમ પાડેલ હતું . તેની માતા ને દીકરી મોનિકા મળી આવવાની જાણ કરતા, તેની માતા ફોન ઉપર રડવા લાગેલ હતી અને ભાવ વિભોર થઇ ગયેલ હતી. જીઆઈડીસી પોલીસ દ્વારા પણ તેઓની દીકરી સહિ સલામત હોવાનું જણાવી, અમદાવાદ ખાતે જીઆઇડીસી પોલીસ સ્ટેશન આવી જવા જાણ કરવામાં આવેલ હતી.
  મળી આવેલ મોનિકા નામની યુવતીને જીઆઇડીસી પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા પોતાની દીકરી તરીકે રાખી, પોલીસ સ્ટેશનમાં જ તેની સાર સંભાળ રાખી, ભરપેટ જમાડવામાં તથા સાચવવામાં આવેલ હતી. યુવતી મોનિકા મળી આવેલાં બાબત જાણ થતા, ભોપાલ મધ્યપ્રદેશ ખાતેથી તેના પરિવારજનો તાત્કાલિક અમદાવાદ દોડી આવેલ હતા અને પોતાની દીકરીને હેમખેમ જોઈને ભેટી પડી, ભાવ વિભોર થઇ ગયેલ હતા. પોતાની દીકરી મોનિકા ને લેવા માટે આવેલ તેની માતા સિમાદેવી સુનીલકુમાર રેંક્વારને દીકરી મોનિકા બાબત પૂછપરછ કરવામાં આવતા, પોતાની દીકરી ઓકટોબર મહિના માં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ અને તે બાબતે ગુમ જાણવા જોગ મધ્યપ્રદેશના ટિલા જમાલપુર પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હોવાની હકીકત જણાવેલ હતી. બીજા રાજ્યની મળી આવેલ યુવતીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા વિનોબાભાવે નગર ના લોકોની સમયસૂચકતા અને મદદના કારણે પરિવાર સાથે મિલન કરાવતા, જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી  દ્ર્શ્યો સર્જાયા હતા. મધ્યપ્રદેશ ભોપાલ ખાતેથી આવેલા યુવતી મોનિકાના પરિવારજનો દ્વારા  અમદાવાદ શહેર પોલીસ અને વિનોબાભાવે નગરના મદદ કરનાર રિક્ષા ચાલક પરેશભાઈ ઠાકોર, હર્ષદસિંહ પરમાર, મીનાબેન સોલંકીનો આભાર વ્યક્ત કર્યો હતો. પોલીસે પણ પોતાના સંતાનોની સાર સંભાળ રાખવા સલાહ આપી હતી.
અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશ્નર શ્રી જયપાલ સિંહ રાઠોડ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી રવિ મોહન સૈની નાં માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી વટવા પોલીસ દ્વારા મળી આવેલ યુવતીને તેના પરિવારજનો સાથે મિલન કરાવી, સેવા કાર્ય કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર અમદાવાદ શહેર પોલીસએ સાર્થક કર્યું હતું....

(9:48 PM IST)