તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th January 2025
વડોદરાના મંજુસર GIDCની રત્નવીર કંપનીમાં સોલાર પેનલમાં ફિટિંગ વેળાએ નીચે પટકાતા કર્મચારીનું મોત
મૃતકના પત્ની ભાવિકા બેનની ફરિયાદના આધારે મંજુસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરાના સાવલી તાલુકામાં આવેલ મંજુસર GIDC ની રત્નવીર કંપનીમાં સોલાર પેનલના ફીટીંગનું કામ કરતી વખતે 45 વર્ષીય કામદાર નીચે પડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં, સારવાર દરમિયાન કામદારનું મોત થતા મંજુસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ઓલપાડ તાલુકાના વેલંજા ગામ સીતપુર રોડ ઉપર આવેલ અંજની રેસીડેન્સી મકાન નંબર 117 માં રહેતા અરવિંદ બાબુભાઈ ગજેરા તારીખ 13 જાન્યુઆરીના રોજ મંજુસર GIDC ના પ્લોટ નંબર 120 માં આવેલી રત્નવીર કંપની ખાતે સોનલ સોલાર પેનલના ફીટીંગના કામ અર્થે ગયા હતા.
આ દરમિયાન સોલાર પેનલના ફીટીંગની કામગીરી કરી રહ્યા હતા, તે વખતે અચાનક તેઓ નીચે પડી ગયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી તથા ડાબા પગે અને ડાબા હાથે અને મોઢા ઉપર પણ ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વડોદરાની SOG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે મૃતકના પત્ની ભાવિકા બેનની ફરિયાદના આધારે મંજુસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
