<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

કાલોલ તાલુકામાં સરકારના વિવિધ પ્રકલ્પો અને રેલવેના અન્ડરપાસનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

ગામના યુવાનોની જવાબદારી બને છે કે, સરકારી યોજનાઓના લાભ ગામના દરેક જરૂરત મંદો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી, સરકારી લાભો ને ઘર ઘર સુધી પહોંચાડે - કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર : કલોલ તાલુકાના ગોલથરા, નારદીપુર,સઈજ,બોરિસણ તથા કેળવણી મંડળ ખાતે સરકારના વિવિધ પ્રકલ્પો તથા રેલવે વિભાગના અંડરપાસનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું ગામના યુવાનોની જવાબદારી બને છે કે, સરકારી યોજનાઓના લાભ ગામના દરેક જરૂરત મંદો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી, સરકારી લાભો ને ઘર ઘર સુધી પહોંચાડે તેમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહએ જણાવ્યું હતું

    કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સંસદસભ્ય અમિતભાઈ શાહના વરદ્દસ્તે ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના રૂ. ૧૯,૩૭૮ લાખના માર્ગ અને મકાન વિભાગના તેમજ ગુજરાત સરકારના વિવિધ પ્રકલ્પોના તથા રેલવે વિભાગના અંડરપાસનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત કલોલના ગોલથરા, નારદીપુર,સઈજ, બોરિસણ તથા કેળવણી મંડળ ખાતે વિવિધ કાર્યક્ર્મો યોજાયા હતા.

વડાપ્રધાન મોદીએ દેશને કુપોષણ મુક્ત કરવા માટે ‘સહી પોષણ, દેશ રોશન’ ના નામે એક અભિયાન સંકલ્પ કર્યો છે. જેમાં સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, તથા બાળકોના વિકાસ માટે શહેરોથી માંડી અંતરિયાળ ગામડાઓ સુધી અનેકવિધ યોજનાઓ દ્વારા પૌષ્ટિક આહાર પહોંચાડવામાં આવે છે.
આ અનુસંધાને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા તેમના પુત્રવધુ દ્વારા ૨૦૨૧થી 'સહી પોષણ, દેશ રોશન' આ સંકલ્પને ધ્યાને રાખી સગર્ભા માતાઓ માટે દર પંદર દિવસે પૌષ્ટિક લાડુ વિતરણ કરવામાં આવે છે. જેનો મુખ્ય ધ્યેય એવી માતાઓને પોષણ આહારથી સશક્ત બનાવવાનો છે જેમને પોષણની જરૂર હોવા છતાં આર્થિક પરિસ્થિતિ ના અભાવે યોગ્ય પોષણયુક્ત આહાર મળી શકતો નથી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ ૧૫- જાન્યુઆરીના રોજ કલોલના ગોલથરા ગામ ખાતે હાજર રહી સગર્ભા બહેનોને પોતાના હાથે આ લાડુ વિતરણ કર્યુ હતું. ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત નાની બાળાઓને શાળા ગણવેશ તથા શૈક્ષણિક કીટ પણ અમિતભાઈ શાહના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગ્રામજનોને સંબોધન કરતા મંત્રી જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની બધી યોજનાઓની માહિતી સાથેના સ્ટોલ જેમાં આરોગ્ય ચકાસણી, કુદરતી ખેતી, આભાકાર્ડ, આયુષ્માન કાર્ડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા યોજનાકીય માહિતી આપતો સ્ટોલ વગેરેની તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે આટલા મોટા ગામમાં યુવાનોની જવાબદારી બને છે કે આ સરકારી યોજનાઓના લાભ ગામના દરેક જરૂરત મંદો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી, સરકારી લાભો ને ઘર ઘર સુધી પહોંચાડે.
આ પ્રસંગે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, એક પણ સગર્ભા બહેન આ પૌષ્ટિક લાડુડી ખાધા વગર ન રહે તેવા આયોજનપૂર્વક ગાંધીનગર ક્ષેત્રમાં હજારો મહિલાઓને લાડુ સમયસર મળી રહે છે. જેમાં વહીવટી તંત્રએ ખૂબ મદદ કરી છે. દર મંગળવારે કેન્દ્ર પર રાખવામાં આવેલ વ્યવસ્થા ના કારણે જરૂરત મંદ મહિલાઓ સુધી લાડુડીનો લાભ પહોંચ્યો છે. તે બદલ તેમને જિલ્લા કલેક્ટરશ્રી અને વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે નાનકડી ટકોર કરતા એમ પણ જણાવ્યું હતું કે, આ પૌષ્ટિક લાડુ સગર્ભા મહિલાઓ માટે ખૂબ જરૂરી છે, જેથી પરિવારના સભ્યોએ પણ ધ્યાન રાખવાનું છે કે આ લાડુડી માત્રને માત્ર સગર્ભા સ્ત્રીઓજ આરોગે.
આ કાર્યક્રમ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા અનેક વર્ષોથી આ વિસ્તારમાં સગર્ભા માતાઓને પૌષ્ટિક આહાર મોકલાવી તેઓ ચિંતા કરી રહ્યા છે, અને હજારો બહેનોને આ લાભ આપી રહ્યા છે. તે બદલ ગૃહ રાજ્ય મંત્રીએ ગ્રામજનો તથા લાભાર્થી મહિલાઓ વતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ મુલાકાત અંતર્ગત રામજી મંદિર નારદિપુર ખાતે પણ મંત્રી દર્શન કરવા પહોંચ્યા હતા.
જ્યાં તેમણે ગ્રામજનોને સંબોધન કરતા જણાવ્યું હતું કે,રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તેમને નિમંત્રણ મળ્યું હતું પણ તેઓ આવી શક્યા ન હતા.આથી આજે ગાંધીનગર આવતા યાદ કરી રામજી મંદિરના દર્શને આવ્યા હતા.
ઉપરાંત ગાંધીનગર જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કલોલથી સાણંદને જોડતા રોડના ચાર માર્ગીયકરણનું ખાતમુહૂર્ત રુપિયા ૧૮૨૦૦ લાખના ખર્ચે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે  કરવામાં આવ્યું છે. જેના થકી કલોલના બોરીસણા, સોરીશા, મોટી ભોયણ, રણછોડપુરા, ચીખલા તથા સાણંદ વગેરે ગામોને રોડના નવીનીકરણથી ફાયદો થશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ આ મુલાકાત અંતર્ગત પશ્ચિમ રેલવેના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાનો અંડર બ્રિજ જે રૂપિયા ૭૨૫  લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે, તેનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી  અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું છે. આ અંડર બ્રિજના નિર્માણ થકી સઈજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ટ્રાફિકને સમસ્યાથી ઘણી રાહત મળશે. માર્ગ પરિવહન કનેક્ટિવિટી ઝડપી બનશે તથા રેલવે ફાટકોના કારણે થતી ટ્રાફિક સમસ્યાથી પણ છુટકારો મળશે.
આ મુલાકાત અંતર્ગત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીએ કલોલ સઈજ ખાતે આવેલા પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ મંદિરના પણ દર્શન કર્યા હતા.
કલોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમોમાં સાંસદ હરિભાઈ પટેલ, મયંકભાઇ નાયક, જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પાબેન પટેલ, ધારાસભ્ય સર્વે લક્ષ્મણજી ઠાકોર, રીટાબેન પટેલ, અલ્પેશભાઈ ઠાકોર, માર્ગ અને મકાન વિભાગના સચિવ એ.કે.પટેલ, કલેકટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બી.જે.પટેલ, કલોલ નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


 

(9:02 PM IST)