<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th January 2025

અમદાવાદમાં HMPV વાઇરસનો ચોથો કેસ નોંધાયો: કૃષ્ણનગરના 4 વર્ષના બાળક સંક્રમિત

સારવાર અર્થે થલતેજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો : 4 વર્ષના બાળકને તાવ, શરદી અને કફની સમસ્યા

અમદાવાદ :ચીનમાં હાહાકાર મચાવી રહેલ હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) હવે ગુજરાતમાં પણ ધીમે-ધીમે પગપેસારો કરી રહ્યો છે, ત્યારે આજે અમદાવાદ વધુ એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે થલતેજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

હકીકતમાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકને તાવ, શરદી અને કફની સમસ્યા રહેતી હતી. જે બાદ ઊલટી થતાં ગત 13 જાન્યુઆરીના રોજ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકમાં HMPV વાઇરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેનો રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો.

 

આ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ બાળકને થલતેજ વિસ્તારમાં આવેલી ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. સંક્રમિત બાળકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી મળી. આ સાથે ગુજરાતમાં અત્યાર સુધી HMPV વાઇરસના કુલ 6 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

જો અમદાવાદમાં HMPV વાઇરસથી સંક્રમિત દર્દીઓની વિગતો જોઈએ તો, સૌ પ્રથમ ગત મહિને 24 ડિસેમ્બરના રોજ ચાંદખેડા વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રાજસ્થાનના ડુંગરપુરના બે મહિનાના બાળકનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જો કે સારવાર બાદ બાળક સ્વસ્થ થઈ જતાં તેને રજા આપી દેવામાં આવી હતી.

જે બાદ વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધનો HMPV રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને મેમનગર સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગત 10 જાન્યુઆરીના રોજ સાઉથ બોપલમાં રહેતા 9 માસમા બાળક પણ HMPV પોઝિટિવ આવતા તેની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

(9:44 PM IST)