તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th January 2025
અમદાવાદમાં બે હત્યા: બહેરામપુરામાં પ્રેમસંબંધમાં યુવકનું મર્ડર: વસ્ત્રાલમાં પુત્રએ સાવકા પિતાને મોતને ઘાટ ઉતાર્યા
કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીનાં પ્રેમીની 3 શખ્સોએ હત્યા કરી:વસ્ત્રાલમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ ચપ્પુથી સાવકા પિતાને રહેંસી નાખ્યા :માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો

અમદાવાદમા વાસી ઉત્તરાયણનાં દિવસે બે હત્યાની ઘટનાઓ સામે આવી છે. જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પત્નીનાં પ્રેમીની 3 શખ્સોએ હત્યા કરી નાખી છે, જ્યારે વસ્ત્રાલમાં પતિ પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પુત્રએ ચપ્પુથી સાવકા પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો છે. જે મામલે માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદનાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બહેરામપુરામાં ઉંટવાળી ચાલીમાં જોગણી માતાનાં મંદિર પાસે સાંજનાં સમયે નીતિન પઢિયાર નામનાં 38 વર્ષીય યુવકની હત્યા થઈ હતી. જેમાં કિરણ ચૌહાણ, ગીરીશ ઉર્ફે ટરો સરગરા અને દેવો નામનાં ત્રણેય આરોપીઓએ ભેગા મળી છરીથી હુમલાઓ કરી યુવકની હત્યા કરી હતી. જે મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરાયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક નીતિન પઢિયારને કિરણ ચૌહાણની પત્ની સાથે પ્રેમસંબંધ હોય જેના કારણે આ હત્યા કરવામાં આવી છે. જોકે બીજી બાજુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હત્યારા આરોપીઓ દારૂ અને ડ્રગ્સનાં ધંધા સાથે જોડાયેલા છે અને તે બાબતની અદાવતમાં આ હત્યા કરવામાં આવી છે.
વસ્ત્રાલમાં આવેલા શિવમ આવાસ યોજનામાં પુત્રએ સાવકા પિતાની હત્યા કરી હોવાની ઘટના બપોરનાં સમયે બની હતી. જે મામલે ભારતીબેન જોષી નામનાં મહિલાએ ફરિયાદ નોંધાવી છે. તેઓને 33 વર્ષ પહેલા કિશોર વાધેલા નામનાં અમરેલીનાં યુવક સાથે લગ્ન થયા હતા, જે લગ્નજીવનમાં તેઓને અલ્પેશ નામનો 32 વર્ષીય દિકરો અને 30 વર્ષીય નીલમ નામની દિકરી છે. લગ્નનાં 3 વર્ષ બાદ ભારતીબેને પતિ સાથે છુટાછેડા લીધા હતા અને તેઓને મિનેષ જોષી સાથે સંપર્ક થતા પતિ તરીકે સ્વિકારી તે અને બાળકો સાથે રહેતા હતા.
15 જાન્યુઆરીનાં રોજ ભારતીબેનનાં પતિ મિનેષ જોષી સવારે આઠ વાગે નોકરી પર ગયા હતા અને બપોરના એક વાગે આસપાસ ઘરે આવતા જમવાનું માંગ્યું હતું. ભારતીબેને જમવાનું આપતા શાક સારૂ બનાવ્યું નથી તેમ કહી પતિએ ઝઘડો કર્યો હતો. જે બાદ પતિ પરત નોકરી પર જતા રહ્યા હતા અને રાત્રે 8 વાગે મિનેષ જોષી ઘરે આવ્યા હતા. જે સમયે ફરી પત્ની ભારતી સાથે તે જ બાબતે ઝઘડો થયો હતો
ભારતીબેનનો 32 વર્ષીય દિકરો અલ્પેશ પતંગ ચગાવીને ધાબા પરથી નીચે આવ્યો હતો અને તેણે સાવકા પિતાને માતા સાથે ઝઘડો ન કરવા કહ્યું હતું. જે સમયે મિનેષ જોષી સાવકા દિકરા અલ્પેશને મારવા લાગ્યા હતા. અને અલ્પેશે ઘરમાં પડેલુ ચપ્પુ લાવી સાવકા પિતાની છાતીનાં અને હાથનાં ભાગે તેમજ ગરદનના ભાગે ઘા માર્યા હતા.
જે ઘટનાના કારણે ભારતીબેન ડરી જતા તેઓએ દિકરા અલ્પેશને માતાનાં ઘરે અમરાઈવાડી મોકલી દીધો હતો, જે બાદ 108 ને બોલાવતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનાં પતિ મિનેષ જોષીનું મોત થયું હતું. જેથી અંતે આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં ભારતીબેન જોષીએ પુત્ર અલ્પેશ સામે હત્યાનો ગુનો નોંધાવ્યો છે. રામોલ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(2:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
