<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th January 2025

મુસાફર હિતરક્ષક સમિતિએ કાન આમળતા જ વેરાવળ ડેપોની એસ.ટી. બસમાં બારીના કાચ ફીટ કરી દેવાયા

રાજકોટ તા. ૧૭ : ગુજરાત રાજયમાં ૮૯૦૦ થી વધુ એસ.ટી. બસો દોડી રહી છે. રાજયભરમાં ૨૮ લાખ મુસાફરો રોજીંદી મુસાફરી કરે છે. ત્‍યારે કેટલીક બસોમાં બારીના કાચ ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડતી પડે છે. આવી જ વેરાવળ ડેપોની રાજકોટ વેરાવળ રૂટની બસમાં કાચ ન હોવાનું ધ્‍યાને આવતા ગુજરાત એસ.ટી. મુસાફર હિત રક્ષક સમિતિના આગેવાનોએ વેરાવળ ડેપો મેનેજરને ફરીયાદ કરી હતી.

બારીમાં કાચ ન હોવાથી મુસાફરોને કડકડતી ઠંડીમાં સુસવાટા મારતા પવનનો ભોગ બનવુ પડે છે. આ બસમાં ડ્રાઇવરની બારીનો ગોળ કાચ હોય છે તે ઉપલબ્‍ધ નહોતો. છતાય બે પાંચ દિવસથી બસ ઓન રોડ દોડી રહી હતી. મુસાફરોની તકલીફ અંગે હિતરક્ષક સમિતિ દ્વારા ડેપો મેનેજરનું ધ્‍યાન દોરવામાં આવતા ત્‍યારીત નિરાકરણ કરાયુ હતુ. જે બદલ હિતરક્ષક સમિતિએ તંત્રનો આભાર વ્‍યકત કર્યો હતો. કોઇપણ બસમાં આવી કાઇપણ ખામી જણાય તો મુસાફરોએ ડાયરેકટ ડેપોના કંટ્રોલરૂમમાં જઇ ફરીયાદ બુક માંગી ફરીયાદ નોંધાવી દેવા ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, દિલીપભાઇ આસવાણી, એડવોકેટ ઇન્‍દુભા રાઓલ, પૂર્વ ફોજી નટુભા ઝાલા, પટેલ નાગજીભાઇ વિરાણી, મેઘજીભાઇ રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:22 PM IST)