<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ઘોઘંબા ખાતે ધાબળા વેચતા પરિવારના ટેન્ટમાં ડમ્પર ઘુસી જતાં મહિલાનું કમકમાટીભર્યુ મોત

બેફામ બનેલા ડમ્પરે રોડની સાઈડમાં સુઈ રહેલા પરીવારના ટેન્ટ ઉપર ડમ્પર ચડાવી દેતા પરીવારની મહિલાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું

ઘોઘંબા વરીયા હાઈસ્કુલથી 100 મીટરના અંતરે રાત્રે એક બેફામ બનેલા ડમ્પરે રોડની સાઈડમાં સુઈ રહેલા પરીવારના ટેન્ટ ઉપર ડમ્પર ચડાવી દેતા પરીવારની મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.

ઘોઘંબા ખાતે ધાબળા અને ગરમ વસ્ત્રોનું વેચાણ કરવા માટે આવેલા પરપ્રાંતીય પરીવારે હાઈસ્કુલથી આગળ ગાયત્રી નગર સોસાયટી પાસે પોતાનો ટેન્ટ લગાવી દિવસે વેપાર ધંધો કરતા હતા અને રાત્રે એજ ટેન્ટમાં સુઈ જતા હતા. નિત્યક્રમ પ્રમાણે આ પરીવાર રાતે પોતાના ટેન્ટમાં ગાઢ નીંદર માણી રહ્યા હતા ત્યારે ઘોઘંબા ફાટક તરફથી આવતા એક ડમ્પરના ચાલકે પોતાનું વાહન બેફામ રીતે ચલાવી ટેન્ટ ઉપર ચડાવી દેતા ટેન્ટની અંદર મીઠી નીંદર માણી રહેલા પરિવાર જનોની બૂમાબૂમથી લોકો એકઠા થઈ ગયા હતા. આજુબાજુની સોસાયટીના લોકોએ તાત્કાલિક બચાવવાની કામગીરી હાથ ધરી હતી

દરમિયાન શ્રમજીવી પરિવારની પરપ્રાંતીય મહિલા કે જેઓ પરિવાર સહિત ગરમ વસ્તુઓ તથા ધાબળાનું વેચાણ કરવા માટે એક ગામથી બીજે ગામ રોડ ઉપર દુકાન લગાવી ધંધો કરતા હતા તે મહિલાની ઉપર આ ડમ્પરના તોતિંગ પૈડા ફરી વળતા મહિલાનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. ગરીબ પરિવારની દુકાનમાં પણ ભારે નુકસાન થયું હતું અને દુકાનમાં મૂકેલી બાઈકને પણ નુકસાન થયું હતું અચાનક દુકાનની અંદર ઘૂસી ગયેલા ડમ્પરના કારણે પરિવારજનો ગભરાઈ ગયા હતા અને બુમરાણ મચાવી મૂકી હતી

બુમરાણ ના પગલે આસપાસની સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને રાજગઢ પોલીસને પણ જાણ કરવામાં આવતા રાજગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને મોકલી આપવામાં આવ્યો હતો ઘટના સ્થળેથી લોકોએ ડમ્પર ચાલકને પીધેલી હાલતમાં પકડી પાડી પોલીસને સોંપી દીધો હતો.

(1:07 AM IST)