તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th January 2025
રેલ્વે ટ્રેક ઉપર સિંહોના મોત ઘટાડવા એઆઇની મદદથી ઇન્ટુઝન ડિવાઇઝ મુકાશે
જેની મદદથી સિંહોની ગતિવિધી ૨૦૦ મિટર દુરથી જાણી શકાશે

અમદાવાદ તા.૧૮: ગીરના જંગલ-અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટ દ્વારા દાખલ કરાયેલ જાહેરહિતની અરજીની સુનાવણીમાં રેલવે સત્તાવાળાઓ તરફ્થી સિંહોને બચાવવા અને તેમની સુરક્ષા સંબંધી લેવાયેલા પગલાં અને કામગીરી અંગેનો રિપોર્ટ રજૂ કર્યો હતો. રેલવે વિભાગ તરફથી એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, આ કેસમાં છેલ્લી મુદત બાદ એક પણ સિંહનું ટ્રેન અકસ્માતમાં અકાળે મોત નોંધાયું નથી.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આ કેસમાં કોર્ટ સહાયક અને રેલવે ઓથોરીટીના જવાબને ધ્યાનમાં લીધા બાદ કેસની વધુ સુનાવણી ફેબ્રુઆરી માસમાં મુકરર કરી હતી. અગાઉ હાઇકોર્ટના નિર્દેશો છતાં ટ્રેનની અડફેટે વધુ બે સિંહોના મોત અને અન્ય બનાવમાં એક સિંહણ અને બે સિંહ બાળના મળત્યુની ઘટનાને લઇ ચીફ જસ્ટિસે ફોરેસ્ટ અને રેલવે સત્તાવાળાઓનો ઉધડો લઇ નાંખ્યો હતો અને તેનો જવાબ માંગ્યો હતો.
આ દરમિયાન રેલવે ઓથોરીટી દ્વારા સમગ્ર વિવિધ પગલાં લઈ મામલે અસરકારક કામગીરી ક૨વામાં આવી હતી. જે અંગેનો રિપોર્ટ રજૂ કરતાં જણાવ્યું કે, રેલવે વિભાગ દ્વારા ગીર અભયારણ્ય જંગલ વિસ્તારમાં જયાંથી રેલવે ટ્રેક પસાર થાય છે તેની બાજુમાં ફાઇબર કેબલ નાખવામાં આવશે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી ઇન્ટ્રુઝન ડિવાઇઝ ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી સિંહોની ગતિવિધિ ૨૦૦ મીટર દૂરથી જાણી શકાશે. ગીર અભયારણ્ય ક્ષેત્રની અંદર અને બહાર આ ડિવાઇસ નાખવામાં આવશે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
