તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th January 2025
ગુજરાત યુનિવર્સિટીમાં કૌભાંડ આચરનાર પ્રોફેસરની ધરપકડ: મહિને 3 લાખ પગાર ધરાવતા પ્રોફેસરે કરોડોનો ચૂનો લગાવ્યો
પ્રોફેસરે યુનિવર્સિટીના ફાળે આવતી 1.15 કરોડ જેટલી રકમ પોતાના એકાઉન્ટમાં અને પત્ની ઉપરાંત અન્ય એક એકાઉન્ટમાં બારોબાર જમા કરાવી:4 કરોડ 9 લાખની રકમનાં હિસાબમાં પણ મોટા ગોટાળા સામે આવ્યાં

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન ડિપાર્ટમેન્ટમાં બહુચર્ચિત આર્થિક ગોટાળા મામલે અંતે યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી અને ફરિયાદના આધારે આરોપી તરીકે પ્રોફેસર ડોક્ટર કમલજીત લખતરીયાની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટી અધ્યાપક અજય દાસે ફરિયાદ નોંધાવી હતી. કમલજીત લખતરિયા વર્ષ 2015 થી એનીમેશન ડિપાર્ટમેન્ટમાં કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત હતા, એનીમેશન ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ 30 પ્રકારના કોર્સ ચાલે છે. જે કોર્સ ખાનગી કંપનીઓ સાથે MOU પ્રમાણે છે. MOU પ્રમાણે નોલેજ પાર્ટનરને એનિમેશન કોર્સ માટે વિદ્યાર્થીઓની ફી પેટે આવતી રકમમાંથી 70 ટકા એજન્સીને અને 30 ટકા રકમ યુનિવર્સિટીના ભાગે જવાની હતી. જોકે કોઓર્ડીનેટર કમલજીત લખતરિયાએ હિસાબમાં મોટા ગોટાળા કર્યા હતા.
ફરિયાદ પ્રમાણે યુનિવર્સિટીના ફાળે આવતી 1 કરોડ 15 લાખ જેટલી રકમ પોતાના એકાઉન્ટમાં અને પોતાના પત્ની ઉપરાંત અન્ય એક એકાઉન્ટમાં પ્રોફેસર કમલજીતે બારોબાર જમા કરાવી લીધી હતી. આ સિવાય પણ રૂપિયા 4 કરોડ 9 લાખની રકમનાં હિસાબમાં પણ મોટા ગોટાળા સામે આવ્યાં હતાં. ગુજરાત યુનિવર્સિટીના સતાધિશો દ્વારા કૌભાંડની તપાસ માટે નિવૃત્ત જજને જવાબદારી સોંપવામાં આવી હતી, જેમાં પણ પ્રોફેસર કમલજીત દ્વારા મોટા નાણાકીય ઉચાપત થઈ હોવાનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપ્યો હતો.
જે રિપોર્ટના આધારે યુનિવર્સિટીના સત્તાધિશો દ્વારા ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ મામલે ફરિયાદ બાદ આ ગુનામાં અન્ય કોઈ આરોપી છે કે કેમ વગેરે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી વર્ષ 2010 થી ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલો છે અને તે મહિને 3 લાખ રૂપિયા પગાર મેળવતો હતો. જેથી આ મામલે આરોપીનાં બેંક ખાતા સહિતની તપાસ હાથ ધરી છે. વધુમાં તેણે આ રકમનું શું કર્યું અને અન્ય કોણ કોણ આ ગેરિરીતીમાં સામેલ છે તેની તપાસ હાથ ધરાઈ છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
